બેંગલુરુ,
કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી બાદ જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ બુધવારે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના નેતા એચ ડી કુમારસ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ એક બાજુ કુમારસ્વામી CM પદના શપથ લીધા હતા જયારે બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું.
આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીના ચેરપર્સન સોનિયા ગાંધી, અધ્યક્ષ રાહુલ ગાંધી, માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, શરદ પવાર તેમજ લેફ્ટના નેતાઓ સહિતના અનેક આગેવાનો એક મંચ પર નજર આવ્યા હતા.
આ સાથે જ આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ પણ ફુંકાઈ ચુક્યું છે. કારણ કે શપથવિધિમાં સમારોહમાં દેશના પૂર્વ થી પશ્ચિમ, ઉતર થી દક્ષિણ સુધીના તમામ એન્ટી-મોદી નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બુધવારે યોજાયેલી શપથવિધિ બાદ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશની વિપક્ષી પાર્ટીઓમાં ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીનો વિજય રથ રોકવા માટે પ્રાણ ફુંકાયા હોય તે પણ માનવામાં આવી રહ્યું છે.
કુમારસ્વામીની શપથવિધિમાં હાજર રહેલા ૧૩ રાજ્યોના ૧૫ દળો ભેગા મળીને ૪૨૯ લોકસભા સીટો પર મોદી-શાહની સામે પેચ લડાવી શકે છે ત્યારે આગામી લોકસભા ચૂંટણીનો કિલ્લો ફતેહ કરવા માટે હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહની જોડીએ હવે ચક્રવ્યૂહને ભેદવા માટે હવે કઈક અલગ રણનીતિ બનાવવી પડી શકે છે.
જુઓ, શું છે ૧૩ રાજ્ય ૧૫ વિપક્ષી પાર્ટી અને મોદી-શાહ વિરુદ્ધ ૨૦૧૯માં ૪૨૯ સીટોનો ચક્રવ્યૂહ :
વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી સરકાર બનાવી હતી પરંતુ હાલ આ સરકારને ચાર વર્ષ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે આ સીટોના ગણિતની રાહ મુશ્કેલ જણાઈ રહી છે. કારણ કે હાલમાં જ દેશમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો કરુણ રકાશ થયો છે જયારે વિપક્ષી પાર્ટીઓનો વિજય મેળવ્યો છે.
આ પેટા ચૂંટણીમાં ગોરખપુર અને ફૂલપુરમાં સમાજવાદી પાર્ટી અને બસપાના ગઠબંધનનો વિજય થયો હતો. ૨૦૧૪માં કુલ ૮૦ સીટોમાંથી ભાજપે ૭૧ સીટ મેળવી હતી જયારે હાલની વિપક્ષી પાર્ટીઓની એકતાની ગણતરી જોવામાં આવે તો આ આંકડો માત્ર ૪૬ સીટો પર આવીને અટકે છે.
૨૦૧૯ પહેલા મોદી-શાહની નજર બિહાર અને પશ્ચિમ બંગાળ પર પણ છે. બિહારમાં કોંગ્રેસ-આરજેડી ગઠબંધન બનાવીને NDA સામે લડે છે ત્યારે તેઓ જોરદાર ટક્કર આપી શકે છે.
એક અંગ્રેજી અખબારના દાવા મુજબ, ૨૦૧૯માં ભાજપને ૨૨૬ સીટ મળી શકે છે.
અંગ્રેજી અખબાર દ્વારા રિપોર્ટમાં જાહેર કરાયેલા દાવા મુજબ, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૫૮ બેઠકોનું નુકશાન થઇ શકે છે અને ૨૦૧૯માં ૨૨૬ બેઠકો મળી શકે છે. આ ૫૮ બેઠકોમાં ૪૬ બેઠક માત્ર ઉત્તરપ્રદેશની છે જયારે ૧૨ બેઠકો અન્ય રાજ્યોની છે.
દેશભરમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનની શક્યતા
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ-ટીએમસી ભેગા મળીને લોકસભા ચુંટણીમાં ઉતારી શકે છે. શક્યતા છે કે લેફ્ટ પણ સાથે આવી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી વિરુદ્ધ વિપક્ષી એકતાનું બ્યુગલ ફૂંકવાવાળા મમતા બેનર્જી એ દરેક રાજ્યમાં તાકાતવાળી વિપક્ષી પાર્ટીને બીજેપી સાથે લડાવવાનું સમીકરણ ખુબ પહેલાથી જ આપ્યું છે.
આસામમાં કોંગ્રેસનો કિલ્લો જીતી લીધા બાદ બીજેપીએ પુર્વોતારમાં પગ પેસારો કર્યો હતો. ત્યારે ૨૦૧૯માં બીજેપી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયુડીએફ ચુંટણીના મેદાનમાં ઉતરવાની સંભાવના છે.
ઓરિસ્સામાં યોજાયેલી પંચાયત ચુંટણીમાં બીજેપીનું ખુબ સારું પ્રદર્શન રહ્યું હતું જેનાથી નવીન પટનાયકની ઊંઘ પણ હરામ થઇ ગઈ હશે, અને જેવી રીતે ઓરિસ્સાના નેતાઓ બીજેપી સાથે જોડાઈ રહ્યા છે એ જોતાં લાગે છે કે બીજેપીને રોકવા માટે બીજેડી-કોંગ્રેસ હાથ મિલાવી શકે છે.
તેલંગાણામાં બે મહિના પહેલા એનડીએથી અલગ થયેલી ટીડીપી પણ કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચુંટણી લડી શકે છે.
કર્ણાટકમાં બાજી પલટવાથી હવે તમિલનાડુમાં બીજેપી-એઆઇડીએમકે ને રોકવા માટે કોંગ્રેસ અને ડીએમકે સાથે આવી શકે છે. આ પહેલા પણ આ બંને પક્ષો સરકારમાં સાથે રહી ચુક્યા છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી એ પહેલાજ સંકેત આપી દીધા છે કે ૨૦૧૯ની ચુંટણી સાથે મળીને લડશે, આ ઉપરાંત હાલમાં NDA સરકારમાં સાથીદાર પક્ષ શિવસેના પણ દરેક વાતમાં બીજેપી પર નિશાન સાધતું હોય છે ત્યારે લોકસભા ચુંટણીમાં બીજેપીનો ખેલ
બગાડવાનો મૌકો નહિ જ છોડે.
ઝારખંડમાં બીજેપી વિરુદ્ધ કોંગ્રેસ અને જેએમએમ પહેલાથી સાથે આવી ગયા છે.
હરિયાણામાં આઈએનએલડી અને બીએસપી સાથે છે અને કોંગ્રસ પણ આમાં શામેલ થઇ શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં બીજેપી-પીડીપી ગઠબંધનને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ટક્કર આપી શકે છે.
જુઓ, દેશના ૧૨ રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ કેટલી સીટો પર PM મોદીને આપી શકે છે પડકાર :
૧. આંધ્રપ્રદેશ – ( કોંગ્રેસ + ટીડીપી ) = ૪૨ સીટ
૨. બિહાર – ( કોંગ્રેસ + આરજેડી ) = ૪૦ સીટ
૩. પશ્ચિમ બંગાળ – (કોંગ્રેસ + ટીએમસી) = ૪૨ સીટ
૪. કર્ણાટક – (કોંગ્રેસ + જેડીએસ ) = ૨૮ સીટ
૫. મહારાષ્ટ્ર – (કોંગ્રેસ + એનસીપી ) = ૪૮ સીટ
૬. તમિલનાડુ – (કોંગ્રેસ + અન્ના દ્રુમક ) = ૩૯ સીટ
૭. દિલ્હી – (કોંગ્રેસ + આપ ) = ૦૭ સીટ
૮. જમ્મુ-કાશ્મીર – (કોંગ્રેસ + નેશનલ કોન્ફરન્સ ) = ૦૬ સીટ
૯. પંજાબ – (કોંગ્રેસ + આપ ) = ૧૩ સીટ
૧૦. ઉત્તરપ્રદેશ – (કોંગ્રેસ + બસપા + સપા ) = ૮૦ સીટ
૧૧. કેરળ – (કોંગ્રેસ + ડાબેરી ) = ૨૦ સીટ
૧૨. ત્રિપુરા – (કોંગ્રેસ + ડાબેરી- ) = ૦૨ સીટ