નવી દિલ્હી,
વર્ષ ૧૯૮૪માં થયેલા શીખ રમખાણોના કેસમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા પોતાનો ચુકાદો આપતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ૩૧ ડિસેમ્બર સુધીમાં સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો.
આ ડેડલાઇન સોમવારે સમાપ્ત થઇ રહી હતી, ત્યારબાદ હવે સજ્જન કુમારે રાજધાની દિલ્હીની કડકડડુમાં કોર્ટમાં સરેન્ડર કર્યું છે.
આ પહેલા સજ્જન કુમારના વકીલે જણાવ્યું હતું કે, “સજ્જન કુમારને રાહત મળવાની સંભાવના ખુબ ઓછી જોવા મળી રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં ૧ જાન્યુઆરીના રોજ રજાઓ સમાપ્ત થઇ રહી છે. જેથી તેઓની અપીલ પર સુનાવણી થવાની આશા નથી”.
દિલ્હી હાઈકોર્ટે ફગાવી સજ્જન કુમારની અરજી
સજ્જન કુમારે હાઈકોર્ટના ચુકાદા બાદ સમર્પણ કરવા માટે વધુ ૩૦ દિવસનો સમય આપવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ માંગ ફગાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા સજ્જન કુમારને ઉમ્રકેદની સજાની સાથે સાથે ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને ૩૧ ડિસેમ્બર સુધી સરેન્ડર થવા માટે આદેશ આપ્યો છે.
શું છે આ મામલો ?
આ મામલો વર્ષ ૧૯૮૪મા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજધાની દિલ્હીની છાવણીના રાજનગર ક્ષેત્રમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર પણ આરોપી હતા.