કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટેમ્પલ રન પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સફળ થતું દેખાઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ પાંચ રાજ્યોમાં પ્રચાર દરમિયાન ઘણા મંદિરોમાં દર્શન કર્યા હતા. જેથી ભાજપ પાસેથી કોંગ્રેસને એન્ટી-હિન્દૂ કહેવાનો મોકો છીનવાઈ ગયો.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન શરૂઆતથી લઈને અંત સુધી રાહુલ ગાંધીની મંદિર યાત્રા ચાલુ રહી હતી. રાહુલ ગાંધીએ ખુબ કઠોર મનાતી કૈલાશ માનસરોવર યાત્રા પણ કરી, આ યાત્રા બાદ એમને શિવભક્ત કહેવામાં આવતા હતા. એમણે નર્મદા આરતીમાં પણ ભાગ લીધો.
વળી, મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે રાજ્યના દરેક ગામમાં ગૌશાળા બનાવવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ રામ ગમન વન પથ યાત્રા પણ શરુ કરી હતી. ચૂંટણીના નજીકના સમયમાં રાહુલના ગોત્રને લઈને પણ ખુબ વિવાદ થયો હતો. જેના જવાબમાં રાહુલે પુષ્કરના બ્રહ્મા મંદિરમાં ખુદને કૌલ બ્રાહ્મણ ગણાવ્યા હતા.