અયોધ્યા,
આજે ૬ ડિસેમ્બર બાબરી ધ્વંસની ૨૬મી વરસી છે. આજથી લગભગ ૨૬ વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના અયોધ્યા સ્થિત વર્ષો પુરાની બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આજના જ દિવસે લાખોની સંખ્યામાં અયોધ્યા પહોંચેલા કારસેવકોએ બાબરી ધ્વંસને માત્ર ૫ કલાકમાં જ ધ્વસ્ત કરી નાખી હતી.
જો કે ત્યારબાદ દેશભરમાં સાંપ્રદાયિક કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા.
શું છે ૬ ડિસેમ્બરની આ ઘટના ?
હકીકતમાં, ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ સવારે અંદાજે ૧૦ વાગ્યે લાખોનો સંખ્યામાં કારસેવકો રામજન્મભૂમિ અયોધ્યા પહોંચી ગયા હતા. આ દરમિયાન તેઓ માત્ર “જય શ્રી રામ”ના નારા સાથે આગળ વધી રહ્યા હતા.
બીજી બાજુ વિશ્વ હિંન્દુ પરિષદના નેતા અશોક શિંઘલ, ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી અને મનોહર જોષી પણ જોડાયા હતા.
૬ ડિસેમ્બરના એક દિવસ અગાઉ અયોધ્યામાં નિર્ણાયક મોડ આવ્યો હતો. આ દરમિયાન જ એલાન કરવામાં આવ્યું હતું કે, સાંકેતિક કારસેવા થશે. પરંતુ, આ વચ્ચે અયોધ્યામાં જોવા મળી રહેલા ગરમાવા વચ્ચે સેકડોની સંખ્યામાં કારસેવકો મણીરામ છાવણીમાં ઘુસી આવ્યા હતા.
જો કે ત્યારબાદ ૬ ડિસેમ્બરના રોજ અયોધ્યામાં ભારે સુરક્ષા વચ્ચે ભાજપના નેતાઓના નેતૃત્વમાં કારસેવકો બાબરી મસ્જિદની તરફ આગળ વધી રહ્યા હતા.
ગણતરીના કલાકોમાં ધ્વસ્ત કરાઈ બાબરી મસ્જિદ
આ દરમિયાન પ્રથમ કોશિશમાં પોલીસ દ્વારા આ ભીડને નિયંત્રિત કરવામાં આવી. પરંતુ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ગુસ્સે ભરાયેલા કારસેવકોનો એક જથ્થો મસ્જિદની દીવાર પર ચઢાવા માંડ્યો હતો. ત્યારબાદ લાખોની સંખ્યામાં મસ્જિદ પર તૂટી પડ્યા હતા અને થોડાક જ સમયમાં આ મસ્જિદ ધ્વસ્ત કરી નાખી હતી.
સૌથી પહેલા કારસેવકોએ બપોરે ત્રણ વાગ્યા અને ચાલીસ મિનિટની આસપાસ મસ્જિદનો પહેલો ગુંબજ તોડી પાડ્યો હતો અને પછી સાંજે ૫ વાગ્યામાં પાંચ મિનિટ બાકી હતી એ પહેલા જ સંપૂર્ણ બાબરી મસ્જિદને જમીન દોસ્ત કરી નાખવામાં આવી હતી.
૬ ડિસેમ્બરના રોજ જે બાબરી મસ્જિદને ધ્વસ્ત કરવામાં આવી હતી, જેનું નિર્માણ વર્ષ ૧૫૨૮માં કરવામાં આવ્યું હતું.
લાલકૃષ્ણ અડવાણી હતા રામ મંદિરની સૌથી મોટો ચહેરો
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી રામમંદિર આંદોલનનો સૌથી મોટો ચહેરો હતો. તેઓએ આ મુદ્દાના આધાર પર ૧૯૮૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઉઠાવ્યો હતો અને ત્યારબાદ માત્ર ૯ વર્ષ જૂની ભારતીય જનતા પાર્ટી ૯ બેઠકોમાંથી વધીને ૮૫ સીટ સુધી પહોંચી ગઈ હતી.
જો કે ત્યારબાદ આ મુદ્દે ઘણો ગરમાવો જોવા મળ્યો હતો. આ પહેલા લાલકૃષ્ણ અડવાણી સપ્ટેમ્બર, ૧૯૯૦માં ગુજરાતના સોમનાથથી રથયાત્રા શરુ કરી હતી અને જનજાગરણ માટે નીકળ્યા હતા.