પોતાના દમદાર અભિનયથી કેરળના સિનેમા એટલે કે મોલિવૂડ પર રાજ કરવાવાળા મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ એ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી અને મોહનલાલ બંનેએ ટ્વિટ કરીને આની જાણકારી આપી હતી. પીએમ મોદીએ એમને એક સારા માણસ ગણાવ્યા હતા. આ મુલાકાત બાદ એવી અટકળો તેજ થઇ ગઈ છે કે વર્ષ 2019માં થનારી લોકસભા ચૂંટણી પહેલા મોહનલાલ ભાજપમાં સામેલ થઇ શકે છે. એટલું જ નહિ તેઓ ભાજપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડશે એવી અટકળો લગાવવામાં આવી રહી છે.
મોહનલાલ સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે કાલે(સોમવારે) મારી મોહનલાલજી સાથે બેઠક થઇ. એમની વિનમ્રતા પ્રશંસનીય છે. સામાજિક સેવાના ક્ષેત્રમાં એમના પ્રયાસ સરાહનીય અને પ્રેરણાદાયી છે. રાજનીતિક વિશ્લેષકોના જણાવ્યા મુજબ ભગવાનના પોતાના દેશ કેરળમાં કમલ ખીલવવા માટે તનતોડ મહેનત કરી રહેલું ભાજપ, મોહનલાલનો કેરળમાં ટ્રમ્પ કાર્ડ રૂપે ઉપયોગ કરી શકે છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તિરૂવનંતપુરમ લોકસભા સીટ પરથી કોંગ્રેસના બહુચર્ચિત નેતા શશી થરૂર સામે મોહનલાલને ટિકિટ આપી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આરએસએસનું પણ મોહનલાલને પૂરું સમર્થન છે. આ મુલાકાતને લોકસભા ચૂંટણી પહેલા કેરળ અને દક્ષિણ ભારતની રાજનીતિ માટે ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. વિશ્લેષકો મુજબ જો મોહનલાલ ભાજપમાં સામેલ થાય છે, તો રાજ્યમાં પાર્ટી કાર્યકર્તાઓનું મનોબળ ખુબ વધી જશે.
કેરળમાં ભાજપ લાંબા સમયથી એન્ટ્રી કરવાની કોશિશ કરી રહ્યું છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને એક સીટ પર જીત મળી હતી, તેમજ મતની ટકાવારીમાં પણ વધારો થયો હતો.