નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ સાઈટ્સ વોટ્સએપ પર ફેક મેસેજ અને અફવાઓને રોકવા માટે ભારત સરકાર અને વોટ્સએપ દ્વારા કોઈ અધિકારી કે નવા ફિચર્સ ના લાવ્યા બાદ સોમવારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ મામલે કેન્દ્ર સરકાર અને whatsappને ફટકાર લગાવવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે ફેસબુકના વડપણ હેઠળની સોશિયલ સાઈટ્સ વોટ્સએપને કારણ બતાઉ નોટિસ ફટકારવામાં આવી છે. કોર્ટ દ્વારા આ નોટિસમાં વોટ્સએપ, IT અને નાણા મંત્રાલય પાસે જવાબ માંગ્યો છે કે, અત્યારસુધીમાં મેસેજિંગ એપ દ્વારા ભારતમાં ફરિયાદ અધિકારીની નિયુક્તિ કેમ કરવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે કેન્દ્ર સરકાર અને વોટ્સએપને જવાબ દાખલ કરવા માટે ૪ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, આ પહેલા મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા વોટ્સએપ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે, તેઓ મેસેજનો સ્ત્રોત શોધવા માટે અને ટ્રેસ કરવા માટે કોઈ નવું ટુલ લઈને આવે.
જો કે ત્યારબાદ વોટ્સએપ દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે, “કંપની માટે વોટ્સએપ મેસેજને ટ્રેસ કરવું એ મુશ્કેલ છે”. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “મેસેજના સ્ત્રોતને શોધવું એન્ડ તું એન્ડ એન્ક્રિપ્શનને કમજોર કરવા જેવું હશે અને જેનાથી યુઝર્સની પ્રાઈવસીને પ્રભાવિત કરશે”.
દેશમાં ફેક મેસેજ રોકવા મામલે આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા વોટ્સએપના પ્રમુખ ક્રિસ ડેનિયલ્સ સાથે ૨૧ ઓગષ્ટના રોજ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, વોટ્સએપ પર મોબ લીન્ચિંગ અને ફેક ન્યુઝ રોકવાની સખ્ત જરૂરત છે, “આ સ્થિતિમાં કંપનીને આ રોકવા માટે કોઈ સમાધાન શોધવું પડશે”.
મહત્વનું છે કે, દેશમાં વધી રહેલી મોબ લીન્ચિંગની ઘટનાઓમાં વોટ્સએપ સહિતના અન્ય સોશિયલ મીડિયા સાઈટ્સ અને એપ્સનો મોટો રોલ સામે આવ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા સાઈટ્સ પર ચાલેલી કેટલીક અફવાઓના કારણે દેશના જુદા-જુદા ક્ષેત્રોમાં મોબ લીન્ચિંગની ઘટનાઓ સામે આવી હતી અને આ ઘટનાઓમાં ઘણા લોકોની હત્યા પણ કરવામાં આવી હતી.