ત્રિવેન્દ્રમ,
કેરળ છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહ્યું છે. કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૪૦૦ લોકોના મોત નીપજી ચુક્યા છે, તો ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ રૂપિયાનું નુકશાન થઇ ચુક્યું છે.
કેરળના મુખ્ય તહેવારોમાંના એક ઓણમને રાજ્યભરમાં ધામ ધૂમથી મનાવવામાં આવે છે, જો કે આ વર્ષે આવેલા વિનાશક પૂરના કારણે રાજ્ય સરકાર દ્વારા ઓફિશિયલ રીતે રદ્દ કરવામાં આવ્યો છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મનાવવામાં આવી રહ્યો છે.
આ વચ્ચે દસ દિવસ સુધી ચાલનારા ઓણમના તહેવાર માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભેચ્છા આપવામાં આવી છે.
https://twitter.com/narendramodi/status/1033227685026181120
સમગ્ર દેશ છે તમારી પડખે : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, “કેરળની જનતા સાથે પૂરો દેશ ઉભો છે. ઓણમનો તહેવાર કેરળના લોકો માટે છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહેલી આપત્તિઓમાંથી બહાર આવવા માટે વધુ શક્તિ પ્રદાન કરે”.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, સમગ્ર દેશ કેરળના લોકો સાથે ઉભો છે અને ત્યાના નાગરિકોની ખુશી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.
વિનાશક પુરના કારણે થયા ૪૦૦થી વધુ લોકોના મોત
મહત્વનું છે કે, કેરળમાં આવેલા વિનાશક પુરના કારણે અત્યારસુધીમાં ૪૦૦થી વધુ લોકોના મોત નીપજી ચુક્યા છે, તો લાખો લોકો બેઘર થઇ ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું હતું કે, પુરની સ્થિતિમાં સુધારો થયા બાદ લાખો લોકો પોતાના ઘરે પહોંચી ચુક્યા છે, પરંતુ હજી પણ ૮.૬૯ લાખ લોકો રાહત શિબિરોમાં સહારો લઇ રહ્યા છે. આ ઉપરાંત રાજ્યભરમાં ૭૦૦૦ ઘર પૂરી રીતે નષ્ટ થઇ ગયા છે, તેમજ ૫૦,૦૦૦ ઘરોને આંશિક રૂપથી નુકશાન પહોચ્યું છે.
બીજી બાજુ રાહત બચાવ કાર્ય પણ યુદ્ધના ધોરણે શરુ કરી દેવામાં આવ્યું છે. કેરળમાં આવેલા વિનાશક પુરના કારણે સેનાની ત્રણેય ટુકડીઓ આર્મી, નેવી અને એરફોર્સની સાથે સાથે NDRF અને કોસ્ટગાર્ડની ટીમોને પણ રાહત અને બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે.
આ પહેલા પીએમ મોદીએ કેરળના પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સવેક્ષણ કર્યું હતું અને ત્યારબાદ કેન્દ્ર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેશના અન્ય રાજ્યોની સરકારો, સાંસદો, ધારાસભ્ય, અન્ય સામાજિક સંગઠન, ફિલ્મની સેલેબ્રેટીઓ સહિત અનેક લોકો દ્વારા મદદ પહોચાડવામાં આવી રહી છે. સાથે સાથે રાહત અને બચાવ કાર્યમાં દેશભરમાંથી પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે.
https://twitter.com/CMOKerala/status/1033264687196983296
બીજી બાજુ છેલ્લા બે દિવસથી કેરળમાં સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. બે દિવસમાં રાજ્યના ૧,૩૧,૬૮૩,ઘરોની સફાઈ કરવામાં આવી ચૂકી છે તેમજ ૨૫.૬ લાખ વીજળીના કનેક્શન પર આપવામાં આવ્યા છે.