નવી દિલ્હી,
રાજધાની દિલ્હી અને NCRના જે લોકો મેટ્રો દ્વારા મુસાફરી કરી રહ્યા છે તેઓ માટે મુશ્કેલી ભર્યા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી-NCRના લોકો માટે લાઈફલાઈન બની ચુકેલી મેટ્રો પર બ્રેક લાગવા જઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ના હજારો કર્મચારીઓ પોતાના વેતનની માંગોને લઇ શનિવારથી હડતાળ પર જઈ રહ્યા છે.
DMRC અને કર્મચારીઓ વચ્ચે શુક્રવારે થયેલી વાતચીત નિષ્ફળ હોવાના કારણે લગભગ ૯૦૦૦ નોન-એક્ઝિક્યુટીવ કર્મચારીઓ હડતાળ પર જવાના છે, ત્યારે શુક્રવાર રાત મધરાત્રિથી જ મેટ્રોના પૈંડા પર બ્રેક લાગશે.
હડતાળનું સમાધાન કાઢવા માટે મંત્રીએ આપ્યા આદેશ
બીજી બાજુ શનિવારથી શરુ થઇ રહેલી આ હડતાળને જોતા દિલ્લી સરકારમાં ટ્રાન્સપોટેશન મિનિસ્ટર કૈલાશ ગેહલોતે DMRCના મેનેજિંગ ડાયરેક્ટરને નિર્દેશ આપતા આ કર્મચારીઓની હડતાળ અંગે સમાધાન કાઢવા માટે કહ્યું છે.
પહેલાથી કર્મચારીઓ દ્વારા કરાઈ રહ્યો છે વિરોધ
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી DMRCના નોન એક્ઝિકયુટીવ કર્મચારીઓ અલગ અલગ મેટ્રો સ્ટેશન પર કાળા કલરની પટ્ટી બાંધીને આંશિક ધરણા કરી રહ્યા હતા. આ કર્મચારીઓમાં ટ્રેન ઓપરેટર, સ્ટેશન કંટ્રોલર, ટેકનિશિયન, ઓપરેટિંગ સ્ટાફ, મેન્ટેનન્સ સ્ટાફ વગેરેનો સમાવેશ થાય છે.