નવી દિલ્હી,
ભારતના પુરાતત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ દ્વારા હાલમાં જ દેશના સૌથી વધુ કમાણી કરનારા ૫ સ્મારકો અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. ASI દ્વારા સ્મારકોની કમાણીને લઇ જાહેર કરાયેલા આંકડાઓમાં દુનિયાની સાત અજાયબીઓ માંના એક આગ્રાના તાજમહેલે દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. પ્રેમનું પ્રતિક કહેવાતા તાજમહેલ ઉપરાંત આગ્રાનો કિલ્લો, કુતુબ મીનાર, ફતેહપુર સીકરી અને લાલ કિલ્લાનો સમાવેશ થાય છે.
ASIના આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૧૭-૧૮માં આ ૫ સ્મારકોની કુલ કમાણી ૧૪૬.૦૫ કરોડ રૂપિયા છે. જયારે દેશભરના તમામ સ્મારકોની કુલ આવક ૨૭૧.૮૦ કરોડ રૂપિયા છે, ત્યારે નોધનીય છે કે, આ ટોચના ૫ સ્મારકોની કુલ આવક દેશના તમામ સ્થળો કરતા અડધા કરતા પણ વધુ છે.
ભારતીય પુરાતત્વ ખાતાના રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૧૭-૧૮માં તાજમહેલ જોવા માટે પહોચેલા લોકોની સંખ્યા ૬૪.૫૮ લાખ પર પહોચી છે, જે ગત વર્ષે ૫૦.૬૬ લાખ હતી. આ સાથે જ આગ્રાનો તાજમહેલ ૫૬.૮૩ કરોડ રૂપિયાની આવક સાથે પ્રથમ ક્રમાંકે છે.
જયારે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ઘોષિત કરાયેલા આગ્રાના કિલ્લો ૩૦.૫૫ કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને છે.
કુતુબ મીનાર ૨૩.૪૬ કરોડ રૂપિયાની કમાણી સાથે ત્રીજા સ્થાને છે.
ફતેહપુર સીકરી ૧૯.૦૪ કરોડ રૂપિયાની કમાણી સાથે ચોથા સ્થાને છે.
લાલ કિલ્લો ૧૬.૧૭ કરોડ રૂપિયાની કમાણી સાથે પાંચમા સ્થાને છે.