નવી દિલ્હી,
શનિવારે યોજાયેલી ઇમરાન ખાનની શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાના ગળે મળતા જોવા મળ્યા હતા. ત્યારબાદ આ મામલે ભાજપ દ્વારા સખ્ત વિરોધ નોધાવવામાં આવ્યો છે, ત્યારે હવે નવજોતસિંહ સિધ્ધુએ આ મુલાકાત અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
નવજોતસિંહ સિદ્ધુએ આ અંગે જણાવતા કહ્યું, જયારે કોઈ તમારી પાસે (પાકિસ્તાન આર્મી ચીફ) આવે તઅને આ કહે કે અમારી સંસ્કૃતિ એક છે અને અમે ગુરુનાનક દેવજીના ૫૫૦માં પ્રકાશપર્વ પર કરતારપૂર બોર્ડર ખોલી દઈશું, તો હું શું કહેતો ?
આ ઉપરાંત શપથવિધિ સમારોહ દરમિયાન POKના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં સિદ્ધુના બેસવા અંગે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા સિદ્ધુએ કહ્યું, “ક્યારે તમને કોઈ મહેમાનના સ્વરૂપમાં આમંત્રિત કરવમાં આવે, ત્યારે તમે ત્યાં જ બેસી શકશો જ્યાં તમારા માટે સીટની વ્યવસ્થા કરવામાં આવી છે. હું શપથવિધિમાં હું અન્ય સીટ પર બેઠો હતો, પરંતુ મને તેઓએ આ સીટ પર બેસવા કહ્યું હતું”.
બીજી બાજુ ભાજપ દ્વારા પણ નવજોતસિંહ સિદ્ધુના પાકિસ્તાનમાં PMની શપથવિધિમાં શામેલ થવા અંગે નિશાન સાધ્યું હતું. ભાજપના નેતા અને હરિયાણા સરકારમાં મંત્રી અનિલ બીજે કહ્યું, “જયારે પૂરો દેશ શોક મનાવી રહ્યો હોય ત્યારે સિધ્ધુ ધૂમધામથી શપથવિધિ સમારોહમાં ભાગ લે છે.
જયારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ નિશાન સાધતા કહ્યું હતું કે, “શું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સિધ્ધુને સસ્પેન્ડ કરશે ?”.
મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પાર સ્થિતિ અત્યંત તંગદિલી ભરી જોવા મળી રહી છે અને આ વચ્ચે પાકિસ્તાન દ્વારા પણ સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પરિસ્થિતિમાં નવજોતસિંહ સિદ્ધુના પાકિસ્તાનના આર્મી ચીફ સાથે ગળે મળવા અંગે સવાલો ઉભા થયા છે.