વારાણસી,
સાબરકાંઠામાં હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે બાળકી પર કરાયેલા બળાત્કારનો મામલો દેશભરમાં ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યો છે. એક પરપ્રાંતય યુવક દ્વારા કરાયેલા બળાત્કારની ઘટના બાદ ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર થયેલા હુમલાઓની ઘટના બાદ હજારોની સંખ્યામાં લોકો ગુજરાત છોડીને પલાયન કરી રહ્યા છે, ત્યારે હવે આ મામલે વડાપ્રધાન મોદી વિરુધ પોસ્ટર વોર શરુ થયું છે.
પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં “ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડો”ના પોસ્ટર લાગ્યા છે અને પરપ્રાંતિય લોકો દ્વારા કરવામાં આવી રહેલા પલાયન મામલે વિરોધકરવામાં આવી રહ્યો છે.
વારાણસીમાં યુપી બિહાર એકતા મંચ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ઉત્તરપ્રદેશ – બિહારના લોકો પર થયેલા હુમલા અને પલાયનના મુદ્દે વિરોધ નોધાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રસના નેતા સંજય નિરુપમેં પીએમ મોદીને નિશાન બનાવતા કહ્યું, “મોદીએ પણ યાદ રાખવું જોઈએ કે એક દિવસે તેઓને વારણસી જવાનું છે”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં જયારે યુપી, બિહાર અને મધ્યપ્રદેશના લોકોને મારી મારીને ભગાવવામાં આવી રહ્યા છે ત્યારે, વડાપ્રધાને પણ વારણસી જવાનું છે. તેઓને પણ યાદ રાખવું જોઈએ કે, વારણસીના લોકોએ તેઓને ગળે લગાવ્યા હતા અને પીએમ બનાવ્યા હતા”.
શું છે આ મામલો ?
મહત્વનું છે કે, સાબરકાંઠાના તાલુકાના ઢુંઢર ગામે ૧૪ મહિનાની એક બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, રેપનો આરોપી બિહારનો રહેવાસી ૨૦ વર્ષનો છોકરો છે.
આ માહિતી સામે આવ્યા બાદ જ ગુજરાતભરમાં વસતા બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે અને ત્યારથી જ આ પરપ્રાંતિય લોકો દ્વારા પલાયન કરવામાં કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધીમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર થયેલા હુમલાઓ બાદ હજારો લોકો ગુજરાત છોડી ચુક્યા છે અને તેની માઠી અસર ઉદ્યોગો પર પણ પડી છે.