સિલિગુડી,
પશ્ચિમ બંગાળમાં બ્રિજ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કલકત્તામાં ગત બુધવારે માજેરહાટ ફ્લાઈઓવરનો એક ભાગ તૂટી પડ્યો હતો, ત્યારબાદ હવે આ ઘટનાના ત્રીજા જ દિવસે સિલિગુડીમાં નદી પર બનેલો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે.
શુકવારે સિલિગુડીમાં પિછલા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો છે. જયારે આ પુલ ધરાશાયી થયો ત્યારે તેના પરથી વાહનો પસાર થઇ રહ્યા હતા. આ ફ્લાઈઓવર રખલગંજ અને માનગંજને જોડે છે.
જો કે હાલમાં આ ઘટનામાં કેટલા લોકોને જાનહાનિ થઇ છે એ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી, પરંતુ સતત બનતી આ ઘટનાને લઇ રાજ્ય સરકાર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
માજેરહાટ ફ્લાઈઓવરની ઘટનામાં થયા હતા બે વ્યક્તિના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં માજેરહાટ ફ્લાઈઓવરનો એક ભાગ તૂટી પડ્યો હતો અને આ ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યાં હતા, જયારે ૨૧ લોકો ઘાયલ થયા હતા.
કલકત્તામાં બનેલી આ ઘટના બાદ રાજ્યની વિપક્ષી પાર્ટીઓ દ્વારા મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા આ ઘટના માટે મુખ્યમંત્રીને જ જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે.
મેટ્રો નિર્માણ કાર્યના કારણે પુલને પહોચ્યું નુકશાન
બીજી બાજુ શુક્રવારે મમતા બેનર્જીએ જાણાવ્યું હતું કે, “લોક નિર્માણ વિભાગના ચીફ એન્જિનિયરને આ ઘટનાની પ્રારંભિક તપાસ સોપવામાં આવી છે. જેમાં સામે આવ્યું છે કે, મેટ્રો નિર્માણ કાર્યના કારણે આ પુલને નુકશાન પહોચ્યું હતું”
તેઓએ વધુંમાં કહ્યું, “આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેઓ વિરુધ સખ્ત કાર્યવાહી કર વમ આવશે. કોઈને પણ છોડવામાં આવશે નહી”.
મહત્વનું છે કે, કલકત્તામાં હાલના સમયમાં બ્રિજ ધરાશાયી થવાની આ ચોથી ઘટના છે. આ પહેલા પણ એપ્રિલ, ૨૦૧૬માં કલકત્તામાં એક નિર્માણધીન બ્રિજ ધરાશાયી થવાના કારણે ૧૨થી વધુ લોકોના મોત થયા હતા જયારે અંદાજે ૧૦૦ લોકો ઘાયલ થયા હતા.