ત્રિવેન્દ્રમ,
એક સપ્તાહના ભારે વરસાદ બાદ જે ભયંકર પૂરની સ્થિતિનો કેરળ રાજ્યએ સામનો કર્યો છે એ ખરેખર દયાજનક છે. આ કુદરતી હોનારતમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો, હજારો લોકો બેઘર તેમજ ઘાયલ થયા, અગણિત માલ-મિલકતોને નુકશાન થયું અને આ બધા નુકશાનનો આંકડો જાણીને તમે ચકિત રહી જશો.
આ કુદરતની હોનારત બાદ હવે રાજ્ય ફરી પગભર થવા જેટલું સક્ષમ થાય એ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે ૨૬૦૦ કરોડ રૂપિયાનું સ્પેશિયલ પેકેજ માંગ્યુ છે.
કેરળના પુર પીડિત લોકોની મદદ માટે લોકો ખડે પગે હાજર રહ્યા છે તો દેશના અલગ-અલગ રાજ્યોએ સેવાઓ મોકલી હતી. બીજી બાજુ આર્મિ, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડના જવાનોએ બહાદુરીપૂર્વક કામગીરી કરીને લોકોને બચાવ્યા હતા. પૂરગ્રસ્ત લોકો સુધી મેડિકલ સુવિધા, ફૂડ પેકેટ વગેરે પહોચતા કરવામાં આવ્યા હતા.
બીજી બાજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સેલિબ્રિટિઝ પણ ફન્ડ એકઠું કરવા માટે આગળ આવ્યા હતા. Pray For Kerela હેઠળ પ્રાર્થનાના ફોટા સાથે લોકો સોશિયલ પ્લેટફોર્મ પર ફોટો મુકી રહ્યા હતા અને સહાનુભુતિ જતાવી રહ્યા હતા.
આ ફંડમાં નાણાકીય ફાળો આપનાર લોકોની સહાયની રકમ કરમુક્ત ગણાશે એવી પણ સરકારે જાહેરાત કરી હતી. લોકો અને વિવિધ સંસ્થાઓ વિવિધ રીતે મદદ કરી રહી હતી. રીલિફ મટિરિયલ પુરગ્રસ્ત વિસ્તારનાં લોકોને હેલીકોપ્ટર વડે પણ પહોચાડવામાં આવ્યું હતું.
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે પણ પહોચ્યા હતા અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાની મદદ માટેની ઘોષણા કરી હતી. કેન્દ્રની સરકારની સાથે રાજ્ય સરકારો દ્વારા પણ મદદ પહોચાડવામાં આવી રહી છે. તેલંગાના દ્વારા ૨૫ કરોડ, મહારાષ્ટ્ર દ્વારા ૨૦ કરોડ, ઉત્તરપ્રદેશ દ્વારા ૧૫ કરોડ, ઉત્તરાખંડ દ્વારા ૫ કરોડ, તમિલનાડુ દ્વારા ૫ કરોડ, ગુજરાત દ્વારા ૧૦ કરોડ, ઝારખંડ દ્વારા ૫ કરોડ, મધ્યપ્રદેશ દ્વારા ૧૦ કરોડ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓરિસ્સા દ્વારા ૫ કરોડ, બિહાર દ્વારા ૧૦ કરોડ, હરિયાણા દ્વારા ૧૦ કરોડ, પશ્ચિમ બંગાળ દ્વારા ૧૦ કરોડ રૂપિયા મદદ માટે આપવાનું એલાન કરવામાં આવ્યું છે.
દેશની સાથે સાથે વિદેશની સરકારો દ્વારા પણ મદદ પહોચાડવા માટે આગળ આવી છે. રશિયાનાં પ્રેસિડેન્ટ પુટીને ભારતીય રાષ્ટ્પતિ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખી કેરળમાં મૃત્યુ પામેલાં લોકો માટે સહાનુભુતિ પ્રગટ કરી હતી. જયારે UAE સરકારે પણ ૭૦૦ કરોડ રૂપિયાની મદદ કેરળ રાજ્યને આપવાનું નક્કી કર્યું છે.
આ ઉપરાંત વિદેશી બિલિયોનર ડોક્ટર શમશીરે કેરળનાં પુરગ્રસ્તો માટે ૫૦ કરોડ રૂપિયા આપ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રા સહિત સુપ્રીમ કોર્ટના દરેક જજોએ માથાદીઠ ૨૫૦૦૦ રૂપિયાનો ફાળો આપ્યો છે. સાથે સાથે રાજકીય પાર્ટીઓના ધારાસભ્યો, સાંસદો અને IAS ઓફિસર્સ અસોસિએશનનાં ઓફિસરોએ પોતાનો એક મહિનાનો પગાર આ ફંડમાં જમા કરાવ્યો છે.
Chief Minister’s Distress Relief Fund મારફતે લોકો કેરળનાં પુર પીડિત લોકો માટે નાણાકીય સહાય પૂરી પાડી શકે છે. આ ફંડ મારફતે સરકારને ૨૧૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે અને બીજા ૧૬૦ કરોડ રૂપિયાની વધુ સહાય પહોચવાની આશા છે.
મહત્વનું છે કે, કેરળમાં આવેલી કુદરતી ભયાનક હોનારતમાં ૩૭૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ૧૨.૪૭ લાખ જેટલા લોકોને રીલીફ કેમ્પમાં ખસેડાયા છે. ૩૨ હજાર જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ૩૫૦૦ લોકોને ઇન્ડીયન આર્મ્સ ફોર્સ દ્વારા મેડીકલ સુવિધા પ્રાપ્ત થઇ છે.
કેરળનાં મુખ્યમંત્રીએ પુરની હાલત વિષે વાતચીત કરવા માટે તમામ પાર્ટીની મિટિંગ બોલાવી હતી. દેશના રાજ્યો અને પાડોશી દેશોમાંથી મદદ મળ્યા બાદ હવે કેરળ સરકાર સામે મુખ્ય પ્રશ્ન છે ફરી ઉભા થવાનો. એક ડેવલપ રાજ્ય તરીકે ફરી ઉપર આવવું એ એક ખરેખર ચેલેન્જ છે કારણ કે આટલાં નુકશાન બાદ રી-ડેવલપમેન્ટમાં સમય લાગશે એ વાત સ્વાભાવિક છે.