નવી દિલ્લી,
દેશની સૌથી પ્રાચીન અને હિમાલયમાંથી નીકળતી પવિત્ર ગંગા નદી સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગંગા પ્રદૂષણનો માર જીલી રહી છે.
૨૦૧૪માં સત્તા પર આવ્યા બાદ પીએમ મોદીએ ગંગાના શુદ્ધિકરણ માટે “નમામિ ગંગે” પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. જો કે ચાર વર્ષથી વધુ સમય વીત્યા બાદ પણ આ યોજના માત્ર કાગળ પર જણાઈ રહી છે, ત્યારે હવે ગંગા નદી અંગે એક ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા “વર્લ્ડ વાઈડ ફંડ” (WWF) દ્વારા ગંગા નદીને દુનિયાની સૌથી સંકટગ્રસ્ત નદી જાહેર કરવામાં આવી છે.
ગંગા નદી અંગે સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “ગંગા વિશ્વની સૌથી વધારે સંકટગ્રસ્ત નદી છે, કારણ કે, બીજી નદીઓની જેમ હવે ગંગામાં પણ સતત પૂર અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ રહી છે”.
ગંગા છે દેશની પ્રાચીન નદી
એક ન્યુઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, ગંગા નદી દેશની સૌથી પ્રાચીન અને લાંબી નદી છે. આ નદી ઉત્તરાખંડના કુમાયુમાં હિમાલયના ગૌમુખ નામના સ્થાન પરથી ગંગોત્રીમાંથી નીકળી તે હિમનદી તરીકે નીકળે છે. ગંગાના આ ઉદ્દગમ સ્થાનની ઊંચાઈ સમુદ્ર તટથી 3140 મીટર છે.
ભારતના વિકાસમાં છે ગંગાનો મહત્વનો ફાળો
ઉત્તરાખંડમાં હિમાલયથી લઈ બંગાળાની ખાડીના સુંદરવન સુધી ગંગા વિશાળ ભૂ -ભાગ બનાવે છે. આ ઉપરાંત ગંગા ભારતમાં 2071 કિમી અને બાંગ્લાદેશમાં પોતાની સહાયક નદીઓની સાથે મળીને 10 લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રફળથી ખુબ વિશાળ ઉપજાઉ મેદાનની રચના કરે છે.
ગંગાનું છે આધ્યાત્મિક મહત્વ
ભારતના વિકાસમાં પણ ગંગાનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ વર્ણવેલું છે. ભારતીય ગ્રંથ પ્રમાણે ગંગાનો અર્થ થાય છે વહેવું. ગંગા નદી એ ભારતની ઓળખાણ છે, તે દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને જોડવાનું કામ પણ કરે છે. સાથે સાથે કરોડો લોકોની આસ્થા પણ જોડાયેલી છે.
ભારતમાં નદીઓનું ધાર્મિક ગ્રંથ અને ધાર્મિક કથાઓમાં વિશેષ મહત્વ રહ્યું છે. આધુનિક ભારતમાં પણ નદીઓને એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર નદીમાં ડૂબકી લગાવે છે
ગંગા પર વસેલા છે દેશના પવિત્ર તીર્થસ્થાનો
દેશના પવિત્ર સ્થાન એવા ઋષિકેશ, હરિદ્વાર, પ્રયાગ અને કાશી પણ ગંગા કિનારે વસેલા છે. આ ઉપરાંત કેદારનાથ, બદ્રીનાથ અને ગૌમુખ ગંગા જેવા તીર્થ સ્થાનો પણ આવેલા છે. કુંભ મેળો જે ચાર સ્થાનો પર યોજાય છે તેમના બે શહેરો હરિદ્વાર અને પ્રયાગ પણ ગંગા નદીના કિનારે આવેલા છે.
ગંગાના વિશ્વની સંકટગ્રસ્ત નદીમાં સ્થાન અંગે આ કારણો છે જવાબદાર
ગંગા નદીનું આટલું મહત્વ હોવા છતાં પણ તે આજે વિશ્વની સંકટગ્રસ્ત નદીમાં સ્થાન પામી ચુકી છે. ગંગાની પ્રદુષિત હાલત પાછળ સૌથી વધારે ઋષિકેશ જવાબદાર છે. ગંગા કિનારે ચંદ્રભાગા, માયાકુંડ અને શીશમ ઝાડીમાં હાલ વધતી જતી વસ્તી માટે શૌચાલયની પણ સુવિધા નથી અને જેના કારણે તે બધી ગંદકી ગંગામાં ભળી રહી છે.
કાનપુર તરફ 400 કિમી સુધી ગંગાની સ્થિતિ ખુબ દયનીય છે. બીજી બાજુ ઋષિકેશથી કોલકાત્તા સુધીના ગંગાના કિનારે પરમાણુ વિદ્યુતમથકથી લઈને રાસાયણિકે ખાતરના અનેક કારખાના સ્થાપિત છે, જેને કારણે ગંગા વધારે ને વધારે પ્રદુષિત થઇ રહી છે.
ગંગાના ભવિષ્ય સામે ઉભા થયા સવાલો
ભારતમાં નદીઓનું ધાર્મિક ગ્રંથ અને ધાર્મિક કથાઓમાં વિશેષ મહત્વ રહ્યું છે. આધુનિક ભારતમાં પણ નદીઓને એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર નદીમાં ડૂબકી લગાવે છે પણ નદીઓમાં ઘટતું જતું પાણીનું પ્રમાણ અને વધતા જતા પ્રદૂષણે પર્યાવરણવાદીઓને ચિંતામાં મૂકી દીધા છે.
બીજી બાજુ દેશની સૌથી પવિત્ર નદી સામે સરકાર દ્વારા કરાઈ રહેલા પ્રયાસો બાદ પણ કોઈ ચોક્કસ પરિણામ સામે આવી રહ્યું નથી, ત્યારે ગંગાના ભવિષ્ય સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.