ગાંધીનગર.
ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આ વર્ષથી નવરાત્રી દરમિયાન શાળા-કોલેજોમાં મીની વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે સરકાર દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડની શાળાઓમાં દિવાળી વેકેશનમાં સાત દિવસનો કાપ મુકવામાં આવ્યો છે. તેની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા દ્વારા કરવામાં આવી છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા નવરાત્રી મીની વેકેશનનાં મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં જણાવ્યું હતુ કે નવરાત્રી દરમિયાન કુલ 7 દિવસનું શાળા-કોલેજોમાં મીની વેકેશન રહેશે. જેના કારણે આગામી 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી શાળા-કોલેજોમાં નવરાત્રી મીની વેકેશન અંતર્ગત શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે.
આ સાથે ચુડાસમાએ ઉમેર્યુ હતું કે, નવરાત્રી વેકેશનના કારણે શાળા-કોલેજોના દીવાળી વેકેશનમાં કાપ મૂકવામાં આવશે. નવરાત્રી દરમિયાન આપવામાં આવેલી રજાઓની ભરપાઈ કરવા માટે દીવાળી વેકેશનમાં કાપ મુકવામાં આવશે. જેનાં અંતર્ગત રાજ્યની શાળા કોલેજોનું દિવાળી વેકેશન જે 21 દિવસનું રહેતું હતું તેમાં ઘટાડો કરીને 14 દિવસનું કરવામાં આવ્યું છે.
ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, મહત્વની બાબત એ છે કે આ નિયમ રાજ્યની સીબીએસઇ શાળાઓને નહિં લાગુ પડે. જો કે આ નિર્ણયને કારણે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની પરિક્ષાઓની તારીખમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘોરણ 9ની પરીક્ષા રાબેતા મુજબ 19 ઓક્ટોબરે જ શરૂ થશે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ યુવાઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા દરેક મામલે ખોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે.