નવી દિલ્હી
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના યોજના યોજના લોન્ચ કર્યાના ર૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં ૧,૦૦૦થી વધુ દર્દીઓએ સ્વાસ્થ્ય વીમાનો લાભ ઉઠાવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યોજનાના મોટા ભાગના લાભાર્થીઓ છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, આસામ અને મધ્યપ્રદેશ રાજ્યના છે.
આ યોજનાનું ઉદ્ધાટન તેમણે ઝારખંડની રાજધાની રાચીમાં કર્યું હતું અને પોતાના હાથથી પાંચ લાભાર્થીને ગોલ્ડકાર્ડ આપ્યા હતા.
આ કાર્યક્રમની પ્રથમ લાભાર્થી પૂનમ બની હતી. જમશેદપુરમાં સદર હોસ્પીટલમાં ૨૨ વર્ષીય પૂનમેં એક બાળકીને જન્મ આપ્યો હતો.
આ યોજના હેઠળ ૧૦ કરોડથી વધુ પરિવારોને વર્ષમાં પાંચ લાખ સુધીનું હેલ્થ કવરેજ આપવામાં આવશે.
જેમાંથી ૯૮ ટકા લાભાર્થીઓની ઓળખ પહેલાંથી જ કરવામાં આવી ચૂકી છે.
નેશનલ હેલ્થ એજન્સી દ્વારા વડા પ્રધાન વતી પ્રત્યેક લાભાર્થીને આ યોજના વિશે જાણકારી આપવામાં આવી રહી છે.
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી વડા પ્રધાન તરફથી ૪૦ લાખ પત્ર મોકલવામાં આવ્યા છે. આ પત્રોને આરોગ્ય મિત્ર અથવા તાલીમ પામેલા લોકો હોસ્પિટલમાં સ્કેન કરશે અને લાભાર્થીઓને વેરીફાઇ કરીને તેમને હેલ્થકેરની સુવિધા આપી શકશે.
ઉલ્લેખનીય છે કે રવિવારે દેશભરમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય માટેની સુરક્ષા યોજના “આયુષ્માન ભારત”ની શરુઆત થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી આ મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત કરાવી છે.
માનવામાં આવી રહ્યું છે કે, “આયુષ્માન ભારત” યોજનાનો લાભ દેશના કુલ ૧૦.૭૪ કરોડ પરિવારોને મળશે અને આ યોજના દ્વારા દેશના ૫૦ કરોડથી વધુ લોકોને આવરી લેવાશે.
આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવવા માટે તમારે હેલ્પલાઇન નંબર કે વેબસાઈટ પાર જઈને જોઈ શકો છો કે આ યોજનાનો લાભ મળશે કે નહિ.
આ માટે mera.pmjay.gov.in વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે તેમજ હેલ્પલાઇન નંબર ૧૪૫૫૫ પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે કે નહિ તે જોવા માટે. તમે તમારા મોબાઈલ નંબર / રેશન કાર્ડ નંબર, SECC નામ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનો URN નંબર દ્વારા પણ ચેક કરી શકો છો.