ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીના બ્યુગલ વાગી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નવ નેજે પાણી લાવી દેનાર અને ભવ્ય ભૂતકાળની ગર્તામાં ધકેલાઈ ગયેલ કોંગ્રેસ પણ હવે પોતાની આળસ ખંખેરી જાણે ઉભું થયું છે. પોતાના આંતરિક ખટરાગ માટે જાણીતા કોંગ્રેસે આળસ મરડીને પોતાના સંગઠનને મજબુત કરવા માટે કમર કસી છે. ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનનું નવું માળખું જાહેર કર્યું છે. પ્રદેશ સંગઠનમાં નવા 25 ઉપાધ્યક્ષની વરણી કરાઇ છે. 75 આગેવાનોને મહામંત્રી અને 5 નેતાઓને પ્રોટોકોલ મંત્રી બનાવાયા છે. કિશન પટેલની ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઇ છે. ડૉ, જીતુ પટેલની કોંગ્રેસ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. શહેર પ્રમુખ તરીકે નીરવ બક્ષીની નિમણૂક કરવામાં આવી છે.