વડોદરા,
ન્યુઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં થયેલી અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 49 લોકોનાં કરૂણ મોત વચ્ચે વડોદરાનાં બે લોકો લાપતા છે. ન્યુઝીલેન્ડમાં છેલ્લાં 7 વર્ષથી પત્ની સાથે રહેતાં વડોદરાનાં યુવાન રમીઝને મળવા માટે તેનાં પિતા આરીફ તાજેતરમાં ન્યુઝીલેન્ડ ગયાં હતાં.
બંને પિતા પુત્ર ક્રાઇસ્ટચર્ચની એ જ મસ્જિદમાં નમાજ પઢવા માટે ગયાં જ્યાં એક ઝનૂની હુમલાખોરે મસ્જિદમાં ઘુસી જઇ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.
જેમાં બન્ને પિતા પુત્ર પણ ઘવાયા હોવાની માહિતી છે. પરંતુ વડોદરાનાં આ બન્ને સભ્યો ક્રાઇસ્ટચર્ચમાં આ ઘટના બાદ લાપતા બનતાં વડોદરામાં રહેતો તેમનો પરિવાર ચિંતામાં મુકાયો છે.
વડોદરાના આરીફ વોરા ન્યુઝીલેન્ડમાં થયેલા ગોળીબારમાં લાપતા થયા છે. આરીફ વોરા તેમના પુત્ર રમીઝ વોરા સાથે મસ્જિદમાં નમાજ પઢવા ગયા હતા. રમીઝ વોરા પત્ની ખુશ્બુ વોરા સાથે 7 વર્ષથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા હતા.
ત્યારે તેના પિતા આરીફ વોરા 25 દિવસ અગાઉ પુત્રને મળવા ન્યૂઝીલેન્ડ ગયા હતા. આરીફ વોરા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહે છે. રમીઝ વોરા ન્યૂઝીલેન્ડની ખાંનગી કંપનીમા નોકરી કરે છે.
તેમની પત્ની ખુશબુ ગર્ભવતી હોવાથી આરીફભાઈ અને તેમની પત્ની રુકઝાના ન્યૂઝીલેન્ડ તેમની મદદ માટે ગયા હતા. પિતા-પુત્ર બંને મસ્જિદમાં શુક્રવારની નમાજ અદા કરવા ગયા હતા.