ગુજરાતમાં કોરોનાનો કહેર દિવાળીના તહેવારો બાદ વધ્યો હોવાના કારણે નાઈટ કરફ્યુ લગાવવાની ફરજ પડી છે. એક તરફ વિશ્વભરમાં વિવિધ કંપનીઓ દ્વારા કોરોનાની વેક્સિનની શોધ થઇ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ લોકો કાગડોળે કોરોનાની રસી શોધાઈ તેની રાહ જોઈ રહ્યા છે. જેથી જીવન ફરીથી પૂર્વવત્ થઈ શકે. પ્રધાનમંત્રી મોદી અમદાવાદ, પૂના અને હૈદરાબાદ જેવા શહેરોની મુલાકાત કરી જાતે વેક્સિન અંગે નિરીક્ષણ કરી રહ્યા છે તેની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને પત્ર લખવામાં આવ્યો હોવાના મોટા સમાચાર આવ્યા છે.
કોરોના વાયરસ મહામારી સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિનને લઇને તૈયારી ઝડપી કરી દીધી છે. આ હેઠળ કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સ્વાસ્થ્ય કર્મચારીઓની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે જે વેક્સિન ઉપલબ્ધ થતા રસીકરણ અભિયાનનો ભાગ હશે. જેના કારણે એવું અનુમાન કરી શકાય છે કે કોરોનાની રસી તુરંત જ લોકોની વચ્ચે પણ ઉપલબ્ધ થશે. રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી લખવામાં આવેલ જણાવવામાં આવ્યું છે કે, તેઓ સ્વાસ્થ્ય કર્મચારીઓની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી દે. જેમાં ડૉક્ટર્સ, ફાર્મસિસ્ટ, MBBS અને BDS ઇન્ટર્ન, સ્ટાફ નર્સ, મિડવાઇફ અને અન્ય હેલ્થ વર્કર્સની પસંદગી કરવા માટે કહેવામાં આવ્યું છે જે વેક્સિન વિતરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ લોકોને ક્લિનિકલ ક્ષેત્રનો અનુભવ છે અને ઇન્જેક્શન લગાવવામાં આવા સ્વાસ્થ્ય કર્મચારીઓ જાણકાર છે. તેવામાં આ લોકોને કોરોના વેક્સિન આવવા પર લોકોને વેક્સિન લગાવવામાં તેમની મદદ લેવામાં આવશે. આ પત્ર ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એડિશનલ સેક્રેટરી વંદના ગુરનાનીએ 23 નવેમ્બરે લખેલા પત્રમાં પણ આ આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વેક્સિન આવવા પર સ્વાસ્થ્ય સેવાઓમાંથી નિવૃત્ત થયેલા લોકોની પણ મદદ લઇ શકાય છે.