દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ઉત્તર કોરિયાએ એક સપ્તાહમાં બીજી વખત જાસૂસી સેટેલાઇટ સિસ્ટમનું પરીક્ષણ કરીને વાતાવરણ ગરમ કરી દીધું છે. આ પહેલા શનિવારે કિમ જોંગે પણ ગુપ્ત મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. આ બધાની વચ્ચે વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ એક પ્રકારનું ષડયંત્ર છે. તમને જણાવી દઈએ કે કિમ જોંગ ઉન પર વૈશ્વિક દબાણની કોઈ અસર નથી. દેશના શાસક કિમ જોંગ સતત તેના સૈન્ય હથિયારો અને તેને લગતા સાધનોને આધુનિક બનાવવામાં વ્યસ્ત છે.
આ પહેલા ઉત્તર કોરિયાએ શનિવારે સવારે અજાણી મિસાઈલનું પરીક્ષણ કરીને આસપાસના દેશોને ચોંકાવી દીધા હતા. આ મિસાઈલ કોરિયન દ્વીપકલ્પના પૂર્વમાં સમુદ્ર તરફ છોડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ આ વર્ષે અત્યાર સુધીમાં કુલ નવ મિસાઈલ પરીક્ષણો કર્યા છે.
ઉત્તર કોરિયાએ જાન્યુઆરી મહિનામાં સાત શસ્ત્રોનું પરીક્ષણ પણ કર્યું હતું, જેમાં તેણે 2017થી અત્યાર સુધીમાં બનાવેલી સૌથી શક્તિશાળી મિસાઈલનો પણ સમાવેશ થાય છે. તે દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે અહીંના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઉશ્કેરવા માટે આ પગલું ભર્યું હતું.
દક્ષિણ કોરિયાના આર્મી ચીફે મિસાઈલ પરીક્ષણને યુએન સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે સતત આવા પરીક્ષણ વિશ્વ માટે ખતરનાક છે. આને તાત્કાલિક બંધ કરવું જોઈએ. તે જ સમયે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ પણ શસ્ત્રો કાર્યક્રમના વિસ્તરણને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ઉત્તર કોરિયા ફરી એકવાર લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ શરૂ કરી શકે છે, જેનાથી આ ક્ષેત્રમાં ફરીથી યુદ્ધનું વાતાવરણ સર્જાય તેવી શક્યતા છે.