રાજકોટવાસીઓ ફરીથી સામાન્ય જિંદગી જીવવા માટે વલખા મારી રહ્યા છે પરંતુ 24 કલાકમાં બીજા દિવસે 62 દર્દીઓના મોત થયા છે, કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. કોરોનાથી મોત થયા છે કે નહીં તે અંગે નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે પણ 62 દર્દીના મોતમાંથી 11 દર્દીના મોત કોરોનાથી થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. આજે બપોર સુધીમાં નવા 170 કેસ નોંધાયા છે.હાલ રાજકોટ રેલવે વિભાગે પણ મુસાફરો માટે કોરોના અંગેના નિયમો કડક બનાવ્યા છે. જેમાં પશ્ચિમ બંગાળ જતા મુસાફરોએ નેગેટિવ RT-PCR સાથે રાખવો અનિવાર્ય રહેશે.આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ 170 નોંધવામાં આવ્યા હતા.
તારીખ: 05/05/2021ના કુલ પોઝિટિવ :- 391
કુલ ટેસ્ટ :- 8144
કુલ પોઝિટિવ :- 391
પોઝિટીવ રેઈટ :- 4.80 %
કુલ ડીસ્ચાર્જ :- 597
આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 170
કુલ પોઝિટિવ કેસ :- 36082
કુલ ડિસ્ચાર્જ : 32159
રિકવરી રેઈટ : 89.54 %
કુલ ટેસ્ટ :- 1032773
પોઝિટિવિટી રેઈટ :- 3.48 %
રાજકોટમાં કુલ કેસની સંખ્યા 36082 પર પહોંચી
રાજકોટમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. બે દિવસ કેસ ઘટ્યા બાદ ફરી કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટેસ્ટિંગનું પ્રમાણ ઘટડવામાં આવ્યું છે. હાલ શહેરમાં કુલ કેસની સંખ્યા 36082 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3532 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે બુધવારે 597 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 6497 લોકોએ કોરોના વેકસીન લીધી
રાજકોટ શહેરમાં આજે તા. 06/05/2021 ના રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3172 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3325 સહિત કુલ 6497 નાગરિકોએ રસી લીધી.
રાજકોટમાં શાકભાજી માર્કેટ સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધી ચાલુ રહેશે
રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને લઇને યાર્ડના સત્તાધિશોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં રાજકોટ શાકભાજી માર્કેટ સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. શાકભાજી માર્કેટમાં સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
સદ્ગુરુ સદન આશ્રમ 5 થી 12મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ
રાજકોટના ગુરુદેવ પરમ પૂજ્ય રણછોડદાસજી બાપુનો સદ્ગુરુ સદન આશ્રમ 5 થી 12મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે ટ્રસ્ટ ની યાદી પ્રમાણે હાલમાં સૌ કોઈ કોરોનાવાયરસની મહામારી માંથી પસાર થઈ રહ્યા હોય મહામારી અટકે અને વધારે ફેલાવો ન થાય તે માટે દર્શનાર્થીઓ ધર્મપ્રેમી ભાઈ બહેનો તથા ભક્તજનો ના હિત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને સદ્ગુરુ સદન આશ્રમ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સદગુરુ રણછોડદાસજીબાપુ આશ્રમ મંદિર ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો માટે તારીખ 5 થી 12 મે સુધી પ્રવેશ બંધ રાખવામાં આવેલો છે. જેની સર્વ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.
કેન્સર હોસ્પિટલમાં ICUના 20 બેડ વધારવા નિર્ણય
દાખલ થવા આવતા મોટાભાગના દર્દીઓના ઓક્સિજન લેવલ તેમજ બીજા માર્કર ખૂબ જ ખરાબ આવતા રહ્યાં છે અને સીધા વેન્ટિલેટર પર મૂકવા પડે તેવી સ્થિતિ છે. આ જોતા કેન્સર હોસ્પિટલમાં આઈસીયુના 20 બેડ ઉમેરવા નિર્ણય લેવાયો છે તેવું તબીબી અધિક્ષકે જણાવ્યું છે. પ્રારંભિક તબક્કે 5 વેન્ટિલેટર નવા મુકાશે ત્યારબાદ ક્રમશ: સંખ્યા વધારાશે.
સરકારની સૂચના છતાં ભાજપના નેતાઓ ધરણા પર બેઠા,સંક્રમણ થશે તો જવાબદારી કોની
પશ્ચિમ બંગાળમાં TMCના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરો પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં આજે રાજકોટમાં તમામ 18 વોર્ડ અને ચારે વિધાનસભા વિસ્તારમાં ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંક્રમણ થશે તો જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે? આ અંગે પોલીસ કમિશનર અને કલેક્ટર જવાબ આપશો તેવી માગ લોકો કરી રહ્યાં છે.રાજ્ય સરકારની સૂચના અને રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો ઉલાળીયો ખૂદ ભાજપના નેતાઓ અને આગેવાનો કરી રહ્યાં છે. શહેરમાં સભા, સરઘસ, રેલી કે ધરણા ન યોજવા સરકારની સૂચના છતાં આજે સવારના 10 વાગ્યાથી તમામ 18 વોર્ડમાં ભાજપ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ખુદ પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર અને મ્યુ. કમિશનર મુખપ્રેક્ષક બની જોઇ રહ્યાં છે. ઠેર ઠેર ભેગા થતા નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ પૈકી સંક્રમણ વધશે તો તેનું જવાબદાર કોણ આ સવાલ જનતા અધિકારીઓને પૂછી રહી છે.