સૌરાષ્ટ્રના ગીરનાર બાદ હવે ચોટીલા ડુંગર પર રોપ વે બનાવવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જ ચોટીલા રોપ વેની મંજૂરી મળી હોવાની વાત ગૃહમાં જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ચોટીલા ખાતે માં ચામુંડાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. હવે આ મંદિરને પણ રોપ-વેનો લાભ મળશે. આપને જણાવી દેઈ કે, ગુજરાતમાં અત્યારે અંબાજી, પાવાગઢ અને ગીરનાર ખાતે રોપ-વેની સુવિધા છે. ત્યારે હવે ગુજરાતને વધુ એક રોપ-વે મળશે. જેને કારણે માતાજીના દર્શન કરવા વધુ સરળ બનશે.
શ્રી ચામુંડામાતાના દર્શન માટે ટુંક સમયમાં વૃધ્ધો અને શારીરિક અશક્ત માઈભક્તોને પણ ગઢ ચોટીલા ચઢવુ સરળ બનશે઼! સરકારે ચોટીલા ડુંગર પર પહોંચવા માટે રોપ-વે બાંધવાની મંજૂરી આપી હોવાની જાહેરાત સીએમ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કરી છે.
ચોટીલાના ડુંગર ઉપર પહોંચવા તળેટીથી 85 મીટરની ઉંચાઈ 400 મિટર લાંબા એરિયલ નેટવર્ક તૈયાર કરાશે. અત્યારે ચોટીલાના ડુંગર ઉપર ચઢવા માટે 1000 જેટલાં પગથિયા છે.
અગાઉ ગિરનાર પર વર્લ્ડ ક્લાસ રોપ વે બનાવવામાં આવી હતી. અને ગિરનાર રોપ વેથી ત્યાંના પ્રવાસનને પણ વેગ મળ્યો હતો. અગાઉ પગથિયા ચડી અંબાજી સુધી જવા માટે ચાર – પાંચ કલાક થતા હતાં. હવે લોકો રોપ-વે દ્વારા 7-8 મિનિટમાં ત્યાં પહોંચી જવાઈ છે.