વેસ્ટ ઇન્ડીઝનાં દિગ્ગજ ઓલરાઉન્ડર અને આ દિવસોમાં કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2021) માં રમી રહેલા કીરોન પોલાર્ડ તેની રમત તેમજ ગુસ્સા માટે ઘણા જાણીતા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હોય કે ટી 20 લીગ ક્રિકેટ, મેદાન પર એવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે પોલાર્ડનું ગુસ્સાથી ભરેલુ રૂપ જોવા મળ્યુ છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં તેણે પિચ પર કંઈક એવુ કર્યું હતું, જેનો વીડિયો હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો – IPL 14 / રાજસ્થાન રોયલ્સમાં બટલર અને સ્ટોક્સની જગ્યા આ બે કેરિબિયન ખેલાડીએ લીધી
CPL 2021 ની નવમી મેચમાં ત્રિનબાગો નાઈટ રાઈડર્સનો મુકાબલો સેન્ટ લુસિયા કિંગ્સ સામે હતો. સેન્ટ લુસિયાએ મેચમાં ટોસ જીત્યા બાદ નાઇટ રાઇડર્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું. કીરોન પોલાર્ડ અને ટિમ સેફર્ટ 19 મી ઓવરમાં ત્રિનબાગો નાઈટ રાઈડર્સની ઈનિંગ દરમિયાન બેટિંગ કરી રહ્યા હતા. ત્યારબાદ બોલર કેસરિક વિલિયમ્સે એક બોલને ઓફ-સ્ટમ્પની બહાર એટલો દૂર ફેંક્યો કે બેટ્સમેન સેફર્ટે ડાઇવ કરીને બોલ રમવાનો પ્રયાસ કરવો પડ્યો. બોલ બેટને અડ્યો ન હતો તેમ છતા એમ્પાયર દ્વારા આ બોલને વાઈડ આપવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચો – Cricket / Live મેચમાં મેદાનમાં આવી ગયો કૂકડો, બિંદાસ્ત અંદાજમાં ચાલતો જોવા મળ્યો, Video
આ દ્રશ્ય જોયા પછી, ટિમ સેફર્ટે એમ્પાયરને પ્રશ્ન કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી, પરંતુ બીજા છેડે ઉભેલા કેપ્ટન કીરોન પોલાર્ડ એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કરવાની એક વિચિત્ર રીત અપનાવી. તે પીચથી ઘણો દૂર ઉભો રહી ગયો હતો. પોલાર્ડ 30 યાર્ડ સર્કલની નજીક ઉભો રહ્યો અને આ દ્રશ્ય જોયા પછી ઘણા ખેલાડીઓ હસતા રહી ગયા હતા. પોલાર્ડ એમ્પાયરને એ જણાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે કદાચ વાઈડ આપવાની સીમા પિચથી ઘણી દૂર છે. જણાવી દઇએ કે, આ મેચમાં પોલાર્ડે 29 બોલમાં 41 રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી, જેના આધારે તેની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન સુધી પહોંચી શકી હતી. જવાબમાં આન્દ્રે ફ્લેચરે સેન્ટ લુસિયા કિંગ્સ માટે અણનમ 81 રન ફટકાર્યા હતા અને મેચમાં વાતાવરણ રોમાંચક બનાવી દીધું હતું.
ફ્લેચરે શાનદાર ઇનિંગ્સ રમી હતી પરંતુ ટીમનાં અન્ય તમામ બેટ્સમેનો પેવેલિયન પરત ફરતા રહ્યા, પરિણામે ફ્લેચર અણનમ રહ્યો પરંતુ સેન્ટ લુસિયા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 131 રન બનાવી શકી અને મેચ હારી ગઇ. પોલાર્ડ ભલે વિવાદો વચ્ચે રહ્યો અને આ માટે તેના પર કેટલીક કાર્યવાહી કરવામાં આવી શકે છે, પરંતુ તે પોતાની ટીમને સીઝનની બીજી જીત અપાવવામાં સફળ રહ્યો હતો અને તેને ‘મેન ઓફ ધ મેચ’ પણ જાહેર કરવામાં આવ્યો હતો.