Vadodra News : વડોદરાની SSG હોસ્પિટલમાં સિક્યુરિટી ફેક્ટ ચેક:મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં માત્ર 112 સિક્યુરિટી ગાર્ડ, સુપ્રિટેન્ડેન્ટે કહ્યું- અમારા હાથ બંધાયેલા છે. કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સતત 4 દિવસથી વડોદરાની સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાલ પર છે. આજે સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટીને લઈને ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા. JDA પ્રમુખ ડૉ. ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં માત્ર 112 સિક્યુરિટી ગાર્ડ છે. હોસ્પિટલના તંત્ર દ્વારા રાજ્ય સરકારને વારંવાર રજૂઆતો કરી છે તેમછતાં હોસ્પિટલની સિક્યુરિટી વધારવામાં આવી નથી, જેથી રાજ્ય સરકાર પણ રેસિડેન્ટ તબીબોની સુરક્ષાના મુદ્દાને અવગણી રહી હોય તેમ લાગે છે.
JDA પ્રમુખ ડૉ. ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે, કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે જે ઘટના બની તેને ન્યાય મળે અને ભીડ દ્વારા જે આક્રમક પગલાં ભરવામાં આવ્યા તેને કાઢવા માટે અમે 4 દિવસથી હડતાલ પર ઉતર્યા છીએ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી બાબતે અને ડીન અને સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત કરી હતી અને 48 કલાકની મુદત પણ આપી હતી અને સિક્યુરિટી બાબતે ફેકટ ચેક પણ કર્યું હતું. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે સયાજી હોસ્પિટલ… સયાજી હોસ્પિટલ 1513 બેડની કેપેસિટી ધરાવે છે અને 37 એકરમાં ફેલાયેલી છે. આ ઉપરાંત ગુજરાતની સૌથી મોટી બીજા નંબરની મેડિકલ સંલગ્ન હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં દર વર્ષે 9 લાખ દર્દીઓની OPD થાય છે. 80,000 દર્દીઓનો ઇન્ડોર થાય છે. આશરે 7000 જેટલા વાર્ષિક લેબ પરીક્ષણ થાય છે. 800 જેટલા રેડિયોલોજીકલ પરીક્ષણ થાય છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ કોલેજમાં 1000 જેટલા અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે.
600 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે. 250 ઇન્ટર્ન છે. હોસ્પિટલમાં 1513 બેડ છે અને તેમાં દર્દીઓની સાથે દર્દીઓના સગાઓ પણ રોજેરોજ આવે છે. રોજના ચારથી પાંચ હજાર લોકો સયાજી હોસ્પિટલમાં હાજર હોય છે, તેની સામે એક માત્ર 112 સિક્યુરિટી પર્સન છે. તે પણ 24 કલાકમાં ત્રણ શિફ્ટમાં આવે છે એટલે કે એક શિફ્ટમાં 32થી 35 સિક્યુરિટી હોય છે. તો ડોકટરોની સિક્યુરિટી કોના હવાલે એ સવાલો ઉભો થાય છે.તેઓએ ઉમેર્યું હતુ કે, સયાજી હોસ્પિટલમાં 50 જેટલા બ્લોક છે, તો તેમાં 32થી 35 સિક્યુરિટી ગાર્ડ પૂરતા ન કહી શકાય. અમે અમારી રજૂઆતો ડીન અને સુપ્રિટેન્ડેન્ટને કરી હતી. સુપ્રિટેન્ડેન્ટ સર દ્વારા ગુજરાત સરકારમાં ત્રણ વખત સિક્યુરિટી વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 112 સિક્યુરિટી ગાર્ડથી વધારીને 375 સિક્યુરિટી ગાર્ડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.તેઓએ કહ્યું હતું કે, અમે જ્યારે સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત કરી ત્યારે તેઓએ અમને કહ્યું હતું કે, અમારા હાથ બંધાયેલા છે.
તો મારો સવાલ એ છે કે, ગુજરાત સરકાર પણ સયાજી હોસ્પિટલના તબીબોની સિક્યુરિટીના મુદ્દાને અવગણી રહી છે? હવે અમે આગામી દિવસોમાં ગુજરાત સરકાર, સાંસદ અને ધારાસભ્યોને પણ અમારી રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. અમારી માંગણી છે કે, સુપ્રિટેન્ડેન્ટ દ્વારા જે ગુજરાત સરકારને પત્ર લખવામાં આવે છે તે પ્રમાણે સયાજી હોસ્પિટલની સિક્યુરિટી વધારવામાં આવે. બીજે મેડિકલ કોલેજની જેમ વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ 24 કલાક પોલીસ ચોકી ઉભી કરવામાં આવે અને મહિલા ડોક્ટરોની અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને તેના માટે એક SHE ટીમ ડિપ્લોય કરવામાં આવે અને પોલીસની એક વાન ફાળવવામાં આવે તો સયાજી હોસ્પિટલની સુરક્ષા વધારી શકાય.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત હોસ્પિટલના CCTVની હાલત ખૂબ જર્જરીત છે, જેથી હોસ્પિટલના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ સહિત તમામ જગ્યાઓએ CCTVલગાવવામાં આવે. હોસ્પિટલમાં ઘણી અવાવરૂ જગ્યાઓ છે, જેથી દરેક સ્થળોએ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે. સૌથી મહત્વની વાત એ છે કે, હોસ્પિટલમાં ક્રાઉડ મેનેજમેન્ટ થાય, હોસ્પિટલમાં તો ક્રાઉડ મેનેજમેન્ટ અને સિક્યુરિટી મેનેજમેન્ટ ખાડે ગયું છે. જેથી, ઇફેક્ટિવ પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવે. હાલ હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે, જરૂર પડશે તો આ આંદોલનને આગળ પણ લઈ જઈશું અને જ્યાં સુધી કોલકાતામાં બનેલી ઘટનામાં મહિલા ડોક્ટરને ન્યાય નહીં મળે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલુ રહેશે.
આ પણ વાંચો: મુંબઈની સાયન હોસ્પિટલમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર હુમલો, લડાઈ બાદ નશામાં ધૂત લોકોએ નિશાન બનાવી
આ પણ વાંચો: સારવાર બાદ દર્દીની હાલતમાં કોઈ ફર્ક કેમ નથી કહી ડોક્ટર પર હુમલો કરતાં શખ્સનો વિડીયો આવ્યો સામે