Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં વધુ એક ફણગો ફૂટ્યો છે. ચર્ચા આવી છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના ભાજપના એક મોટા ગજાના નેતાની જ ભાગીદારી છે પરિણામે પિડીતોને ન્યાય મળે તે વાત ગળે ઉતરે તેમ નથી. સારવારના નામે વેપલો થઇ રહ્યો હતો તે વાત હવે છુપી રહી નથી ત્યારે સરકાર ભલે કડક કાર્યવાહીનો દેખાડો કરે પણ સમગ્ર પ્રકરણમાં ઠંડુ પાણી રેડાઇ જશે તે વાત નક્કી છે.
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના માથે રાજકીય આકાઓના આશીર્વાદ
નાણાંની લાલચે બે દર્દીઓના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના માથે રાજકીય આકાઓના આશીર્વાદ રહ્યાં છે તે જગજાહેર છે. હોસ્પિટલના માલિક કાર્તિક પટેલે કન્ટ્રક્શન વ્યવસાયમાં જ નહીં, શિક્ષણ અને મેડિકલ વ્યવસાયમાં ય હાથ અજમાવ્યો છે. કાર્તિક પટેલના ભાજપના ટોપના નેતાઓ સાથે નજીકનો સંબંધ રહ્યો છે.ફેસબુક પેજ પર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ભાજપના નેતાઓ સાથેની તસવીરો જોવા મળે છે.
મેડિકલ વ્યવસાયિકોમાં ચર્ચા છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના એક ભાજપના નેતાની જ ભાગીદારી છે. આ જોતાં ખ્યાતિ હોસ્પિટલના માલિક-ડિરેક્ટરોને ઉની આંચ નહીં આવે. પોલીસ ફરિયાદ પણ એવી રીતે નોધવામાં આવશે કે ભવિષ્યમાં છટકબારી શોધી શકાય. આ અગાઉ પણ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બની છે જેમાં પણ દાખલો બેસે તેવી કોઇ કાર્યવાહી થઇ શકી નથી. આમ,ચંદા દો-ધંધા દોની નીતિને કારણે હોસ્પિટલ માલિક સામે કડક કાર્યવાહી થાય, મૃતક પરિવારને ન્યાય મળે તે દેખાતુ નથી.
આ પણ વાંચો:આયુષ્માન યોજના જીવન સાથે રમત ન બને, ખ્યાતી હોસ્પિટલની ઘટના ડરાવે છે
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે
આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને પુરાવા રજૂ કરવા કરાયો આદેશ, મેડિકલ એસોસિએશને લખ્યો પત્ર