શંકરસિંહ વાઘેલાનું જૂથ સ્થાનિક ચૂંટણી લડવા તૈયાર છે : આમ આદમી પાર્ટી મહાનગરોમાં પૂરી તાકાતથી લડવાના મૂડમાં છે, ત્યારે આ જોડાણ મેદાનમાં આવ્યું : જો કે, ગુજરાતમાં ત્રીજુ બળ ચાલતું નથી પણ કોંગ્રેસને નુકસાન તો કરે જ છે !!
દિલ્હીમાં શરૂ થયેલા ખેડૂત આંદોલનના એક માસ કરતા વધુ દિવસ પૂરા થયા છે. ખેડૂત સંગઠનો કૃષિ કાયદા રદ કરવાની બાબતમાં મક્કમ છે, તો બીજી બાજુ સત્તાધારી પક્ષ ભાજપના આગેવાનોએ કૃષિ કાયદાની સમજ આપવા માટે અભિયાન ચલાવી આંદોલનને ટેકો આપનારા વિપક્ષો પર પ્રહારો કરવાનો ખેલ શરૂ કર્યો છે. ગુજરાતના ઘણા ખેડૂત આગેવાનો અને તેને ટેકો આપનારા કોંગ્રેસી આગેવાનો દિલ્હી પહોંચી ગયા છે. ૧૫ દિવસ અગાઉ રાજઘાટ જઈ ખેડૂતોના ટેકામાં આમરણાંત ઉપવાસની જાહેરાત કરનારા પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાને તેમના ઘરમાં જ નજર કેદ કરાયા છે.
ગુજરાતમાં એક બાજુથી કોંગ્રેસે તેની તાકાત પ્રમાણે ખેડૂત આંદોલનના ટેકામાં દેખાવો કર્યા છે તો બીજી બાજુ હમણાં નેતાગીરી નહિં બદલાય તેવા કેન્દ્રના કોંગ્રેસી મોવડી મંડળનો નિર્ણય આવ્યા બાદ ગુજરાતમાં કોઓર્ડીનેશન કમિટિ સહિત વિવિધ સમિતિઓની રચના સાથે કોંગ્રેસ સ્થાનિક ચૂંટણીઓની કવાયત શરૂ કરી છે. જો કે ભાજપે તો પેજ પ્રમુખોની વરણી સહિતના માઈક્રોપ્લાનીંગ સાથે ૧૫ દિવસ પહેલા આ અંગેની તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત સરકાર દ્વારા જે સરકારી કાર્યક્રમો યોજાય છે તેમાં પણ હાજર રહેનારા પ્રધાનો કોંગ્રેસ પર પ્રહારો કરવાની તક ગુમાવતા નથી. આમ તેમણે પોતાના કેન્દ્રીય મોવડીઓને અનુસરવાનું ચાલુ રાખ્યું છે.
આમ ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ – કવાયતો બેઠકો અને વિવિધ જિલ્લાઓની આગેવાનો દ્વારા મુલાકાતના દોર વચ્ચે ગુજરાતના રાજકારણમાં નવા પરિબળનો ઉમેરો થવાની શરૂઆત નહિ પણ જાહેરાત તો થઈ જ છે. ગુજરાતમાં બીટીપી પાર્ટીના નેતા અને ભરૂચ નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ પર વર્ચસ્વ ધરાવનારા નેતા અને ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભરૂચ ખાતે એવી જાહેરાત કરી છે કે, તેમનો પક્ષ બીટીપી અને ઓવૈસીનો પક્ષ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડશે.
છોટુભાઈના પક્ષના બે ધારાસભ્ય છે છોટુભાઈ અને તેનો પુત્ર મહેશ વસાવા અગાઉ પક્ષનું કોંગ્રેસ સાથે જોડાણ હતું અને જેના કારણે ભરૂચ અને નર્મદાએ બન્ને જિલ્લામાં કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવી અને પછી ટકાવી રાખી તે છોટુભાઈની પાર્ટીના જિલ્લા પંચાયત સભ્યોના ટેકાને આભારી હતી. છોટુભાઈ વસાવાએ અત્યારે તો મોટે ઉપાડે એવી જાહેરાત પણ કરી નાખી છે કે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે તેથી ઓવૈસીના પક્ષને સાથે રાખી ચૂંટણી લડી, આ બન્ને પક્ષને પડકાર ફેંકશે ભાજપ અને કોંગ્રેસને હરાવવા માટે લોકોને અપીલ કરી, આ બન્ને પક્ષોને એક સીક્કાની બે બાજુ જેવા જનહિત વિરોધી નિર્ણયો લેનારા પક્ષ તરીકે ગણાવ્યા છે બિહારની ચૂંટણીમાં પાંચ બેઠકો જીતીને તાકાત વધારનારા અને હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં પોતાની તાકાત જાળવી રાખનારા તેમજ હવે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલા ઓવૈસીનો પક્ષ એ.આઈ.એમ.એમ હવે છોટુભાઈ વસાવાના ખભે બંદૂક મુકી ગુજરાતમાં એન્ટ્રી મારવા તૈયાર થયો છે.
છોટુભાઈ વસાવાએ આમ ત્રીજુ બળ તૈયાર કરવા કમર કસી છે. સાથો સાથ ભરૂચ નર્મદા વલસાડ દાહોદ ડાંગ સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓ કે જ્યાં આદિવાસીઓની વસતિ નોંધપાત્ર પ્રમાણમાં છે ત્યાં આદિવાસી મુસ્લિમ મોતનું ધૃવીકરણ કરી ભાજપ કોંગ્રેસને પછાડવાનો તખ્તો તૈયાર કર્યો છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં આઠેય બેઠકો પર વિજય મેળવ્યા બાદ કોંગ્રેસ હતાશામાં છે અને આમેય ગુજરાતના જનાધાર વાળા ઘણા કોંગ્રેસી આગેવાનોને છેલ્લા ત્રણ વર્ષમાં કોંગ્રસે પોતાના તરફ ખેંચીને પ્રધાન પણ બનાવ્યા છે. અન્ય હોદ્દા પણ આપ્યા છે. જો કે, ૨૦૧૫ની ચૂંટણીમાં ૩૧ પૈકી ૨૪ જિલ્લા પંચાયતો અને ૨૩૧ પૈકી ૨૧૨ થી વધુ તાલુકા પંચયાતો અને ૫૮ પૈકી ૨૦થી વધુ નગરપાલિકાઓ કબ્જે કરનાર કોંગ્રેસ માટે અત્યારે કપરો સમય ચાલે છે હવે પાટીદાર અનામત આંદોલનનો જૂવાળ ઓસરી ગયો છે. પાટીદાર અનામત આંદોલનના ઘણા નેતાઓ ભાજપ એનસીપી અને કોંગ્રેસમાં ગોઠવાઈ ગયા છે. અનામત આંદોલનના મુખ્ય સુત્રધાર હાર્દિક પટેલ હાલ કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખનો હોદ્દો સંભાળી રહ્યા છે જાે કે પેટા ચૂંટણીમાં તેઓ મતદારો પર પહેલાના જેવો પ્રભાવ પાડી શક્યા નથી.
દિલ્હીમાં સત્તા અને પંજાબમાં મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન મેળવી હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી લડવાના ઈરાદા સાથે ત્યાં સંગઠન મજબૂત બનાવવાની કામગીરી વચ્ચે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે. છ મહાનગરોમાં તો તેણે સંગઠનનું માળખું પણ ઉભુ કરી દીધું છે જ્યારે ત્રણ જેટલા જિલ્લાઓમાં બસપા પણ તાકાત અજમાવે તેવી શક્યતા છે જ્યારે મૂળ ભાજપના અને પછી કોંગ્રેસમાં જનારા અને ૨૦૧૭ની રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપને ત્રીજી બેઠક મળે તે માટે તનતોડ મહેનત કરનારા શંકરસિંહ વાઘેલાએ નવી પ્રજા શક્તિ પાર્ટીના નામે સંગઠન ઉભુ કર્યું છે આ પક્ષે આઠ બેઠકોની પેટા ચૂંટણી વખતે અબડાસા સહિત ત્રણ બેઠકો પર મજબૂત ગણાતા અપક્ષ ઉમેદવારોને ટેકો આપ્યો હતો ભલે આ ઉમેદવારો જીત્યા નથી પણ તેમણે કોંગ્રેસની હારમાં ભૂમિકા ભજવી છે.
આ ત્રણ પરિબળો એટલે કે છોટુભાઈ વસાવાનો પક્ષ શંકરસિંહ વાઘેલાનો પક્ષ અને ઓવૈસીનો પક્ષ જોડાણ કરી શકે છે. અને તે અમુક સ્થળે સારો દેખાવ પણ કરી શકે છે. ઓવૈસીએ બિહારમાં એન્ટ્રી મારી છે પણ સાથો સાથ કોંગ્રેસ રાજદ અને ડાબેરી પક્ષોના બનેલા મહાગઠબંધનને ઓછામાં ઓછી ૨૫ વિધાનસભા બેઠકો પર નુકસાન કર્યું છે અને મહાગઠબંધનને સત્તાથી વંચિત રાખી દીધું છે. ત્યારબાદ ઘણા વિવેચકો ઓવૈસીના પક્ષને ભાજપની બી ટીમ કહી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતે જીતવા કરતાં કોંગ્રેસને વધુ નુકસાન કરી શકે તેમ છે. તેવું મોટા ભાગના વિવેચકો માને છે. એક વાત છે જ છોટુભાઈ વસાવા અને ઓવૈસીના પક્ષના ગઠબંધનને પગલે ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ઠો અને તેમાંય ખાસ કરીને ટિકિટ મેળવવામાં નિષ્ફળ જનારા આગેવાનો માટે આશ્રયસ્થાન બની શકે છે.
આ તબક્કે જૂનો ઈતિહાસ યાદ કરીએ તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અથવા તો દૂરના ભૂતકાળમાં કોંગ્રેસ અને મુખ્યવિપક્ષ વચ્ચે જ જંગ લડાયો છે. ત્રીજા બળને સફળતા મળી નથી. ૧૯૭૫માં સ્વ.ચીમનભાઈ પટેલના પક્ષ કિમલોપને સફળતા મળી નહોતી તો ત્યારબાદ શંકરસિંહ વાઘેલાના પક્ષ રાજપને પણ સફળતા મળી નહોતી. ચીમનભાઈએ પણ ત્યારબાદ જનતાદળના ઉમેદવાર તરીકે જીતી ભાજપના ટેકા સાથે ઉમેદવાર બન્યા અને છેવટે જનતાદળ (ગુજરાત) રચી કોંગ્રેસના ટેકા સાથે મુખ્યમંત્રી પદ ટકાવી રાખી અંતે તો કોંગ૩ેસ પ્રવેશ કર્યો હતો.
શંકરસિંહ વાઘેલાએ પણ થોડા સમય સુધી રાજ્ય ચલાવ્યો ૧૯૯૮ની લોકસભા અને ધારાસભાની ચૂંટણી લડ્યા બાદ તેમાં સફળતા મળી નહોતી અને ૧૯૯૯માં તેઓ કોંગ્રેસમાં ભળી ગયા હતા. ૧૯૯૬માં કોંગ્રેસના ટેકા સાથે મુખ્યમંત્રી પદ, ૨૦૦૨માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદનો તાજ પહેર્યો બાદ ૨૦૦૪માં કોંગ્રેસની આગેવાની હેઠળ રચાયેલા યુપીએ-૧ના કેન્દ્રીય પ્રધાન મંડળમાં સ્થાન મેળવ્યું હતું જો કે, ૨૦૧૭માં તેમણે પક્ષ છોડ્યો ૨૦૧૨ની ચૂંટણી વખતે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા કેશુ બાપએ રચેલા ગુજરાત પરિવર્તન પાર્ટીને ૨૦૧૨ની ચૂંટણીમાં માત્ર બે જ બેઠકો મળી હતી. અને તેમના પક્ષના મોટા ભાગના આગેવાનો ભાજપમાં ભળી ગયા હતા. તે તો જગ જાહેર છે. આમ ગુજરાતમાં ત્રીજા બળને સ્થાન નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…