ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022માંથી બહાર થઈ ગઈ છે. બુધવારે શારજાહમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાનની જીત સાથે અફઘાનિસ્તાન અને ભારત બંનેનું ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. હવે 11 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનાર ફાઈનલ મેચમાં શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે. જો કે સુપર-ફોરમાં હજુ બે મેચ બાકી છે, પરંતુ બંને ટીમોનું ફાઈનલ રમાવાનું નક્કી છે.
જો ભારતીય ટીમ હવે 8 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનારી સુપર-ફોરની તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવશે તો તે માત્ર બે પોઈન્ટ સુધી પહોંચી શકશે. એટલે કે પોઈન્ટની બાબતમાં ભારત હવે પાકિસ્તાન અને શ્રીલંકાને કોઈપણ સ્થિતિમાં હરાવી શકશે નહીં. પાકિસ્તાન અને શ્રીલંકાના ચાર-ચાર પોઈન્ટ છે.
UNBELIEVABLE FINISH! 🤩
Pakistan are through to the Asia Cup final💪#AsiaCup2022 | #AFGvPAK pic.twitter.com/T2KGjTmo5k
— Pakistan Cricket (@TheRealPCB) September 7, 2022
130 રનનો ટાર્ગેટ પુર્ણ કરતા પાકિસ્તાને પ્રથમ ઓવરમાં જ કેપ્ટન બાબર આઝમની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી 50 રનની અંદર પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાનની વિકેટ પણ ગુમાવી દીધી હતી. પરંતુ ઈફ્તિખાર અહેમદ અને શાદાબ ખાન વચ્ચેની 42 રનની ભાગીદારીએ પાકિસ્તાની ઇનિંગ્સને પાટા પર લાવી દીધી હતી.
ઈફ્તિખાર અહેમદે 30 અને શાદાબ ખાને 36 રન બનાવ્યા હતા. ઇફ્તિખાર અહેમદ પેવેલિયનમાં પરત ફર્યા બાદ, પાકિસ્તાને નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી, જેના કારણે તેનો સ્કોર 8 વિકેટે 110 થયો હતો. આ પછી આસિફ અલી પણ કેટલીક મોટી હિટ ફટકારીને આઉટ થયો હતો. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 11 રન બનાવવાના હતા પરંતુ નસીમ શાહે પ્રથમ બે બોલમાં સિક્સર ફટકારીને મેચનો અંત લાવી દીધો હતો.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે તેના ઓપનરો દ્વારા ફરી એકવાર ઝડપી શરૂઆત કરી હતી. રહેમાનુલ્લા ગુરબાઝે (17) ઇનિંગની બીજી ઓવરમાં હસનૈન સામે બે છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે હઝરતુલ્લા ઝાઝાઈ (21) એ ચોથી ઓવરમાં હરિસ રૌફ સામે બે ચોગ્ગા ફટકાર્યા હતા. જો કે, રઉફે એ જ ઓવરના પાંચમા બોલ પર ગુરબાઝને બોલ્ડ કરીને તેની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. ગુરબાઝે જઝાઈ સાથે પ્રથમ વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ જઝાઈ ઇનિંગની પાંચમી ઓવરમાં મોહમ્મદ હસનૈને આઉટ કર્યો હતો.
સતત બે ધડાકા બાદ ઈબ્રાહિમ ઝદરાન અને કરીમ જનાત (15)એ 35 રનની ભાગીદારી કરીને દાવને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાનની ચુસ્ત બોલિંગ સામે બંને બેટ્સમેન ઝડપી રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. મોહમ્મદ નવાઝે 12મી ઓવરમાં મોટો શોટ મારવાનો પ્રયાસ કરતા જનાતને પેવેલિયન પરત કરી દીધો હતો. ત્યારબાદ નજીબુલ્લાહ ઝદરાન (10) પણ 14મી ઓવરના છેલ્લા બોલ પર બોલ્ડ થયો હતો.
આગલી ઓવરના પહેલા જ બોલ પર નસીમ શાહ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો, જેના કારણે અફઘાનિસ્તાનનો સ્કોર પાંચ વિકેટે 91 રન થઈ ગયો. બીજી તરફ ઈબ્રાહિમ ઝદરાને રનરેટને ઝડપી બનાવવા શાદાબની બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ તે પણ 17મી ઓવરમાં રૌફની બોલ પર વિકેટકીપર રિઝવાનના હાથે કેચ આઉટ થયો હતો.
બાદમાં, અઝમતુલ્લા ઓમરઝાઈ અને રાશિદ ખાનની જોડીએ પછી છેલ્લી ત્રણ ઓવરમાં 24 રન ઉમેર્યા અને અફઘાનિસ્તાનને છ વિકેટે 129 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. રાશિદ 18 અને ઓમરઝાઈ 10 રને અણનમ રહ્યા હતા. હરિસ રઉફ બે વિકેટ સાથે પાકિસ્તાનનો સૌથી સફળ બોલર રહ્યો હતો. બીજી તરફ નસીમ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ અને શાદાબ ખાનને એક-એક વિકેટ મળી હતી.