ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 31મી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે પાકિસ્તાને સેમીફાઈનલમાં જવાની આશા જીવંત રાખી છે. જો કે તેના માટે ટોપ-4માં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે. વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ ટીમની આ છઠ્ઠી હાર છે. પાકિસ્તાન સામેની હાર સાથે બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનની ટીમ સતત ચાર હાર બાદ જીતી છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશની ટીમ 45.1 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને માત્ર 204 રન જ બનાવી શકી હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ વિકેટ માટે ફખર ઝમાન અને અબ્દુલ્લા વચ્ચેની સદીની ભાગીદારીના કારણે 32.3 ઓવરમાં 3 વિકેટે 205 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
205 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને ઓપનર ફખર જમાન અને અબ્દુલ્લા શફીકે સારી શરૂઆત કરી હતી. પ્રથમ પાવરપ્લેમાં પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 127 બોલમાં 128 રનની ભાગીદારી થઈ હતી. અબ્દુલ્લા શફીક 69 બોલમાં 68 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન બાબર આઝમ મોટો શોટ રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો. બાબરે 16 બોલમાં 9 રન બનાવ્યા હતા. ઓપનર ફખર ઝમાન 74 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 45.1 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. મહમુદુલ્લાહે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા.
કેપ્ટન શાકિબ અલ હસને 43 અને લિટન દાસે 45 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમ જુનિયરે 3-3 વિકેટ લીધી હતી. આ પહેલા બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં જ ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તનજીદ હસન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. નઝમુલ શાંતો 4 રન બનાવીને આઉટ થયા હતા અને મુશફિકુર રહીમ 5 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી મહમુદુલ્લાહ અને લિટન દાસ વચ્ચે ચોથી વિકેટ માટે 79 રનની ભાગીદારી થઈ હતી. લિટન 64 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો. શાહીન આફ્રિદીએ બે અને હરિસ રઉફ, ઈફ્તિખારે 1-1 વિકેટ લીધી હતી. મહમુદુલ્લાહે 70 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. તૌહીદ માત્ર 7 રન બનાવી શક્યો હતો. કેપ્ટન શાકિબ અલ હસને 43 રનની જોરદાર ઇનિંગ રમી હતી. મિરાજે 25 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની છેલ્લી ત્રણ વિકેટ વસીમે લીધી હતી.