પંચમહાલ જિલ્લાનાં વેજલપુર ખાતે આવેલા કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે ચોમાસાનો વરસાદ થતાંની સાથે શિવજીની પ્રિય બીલીનાં વૃક્ષોની ઉત્તમ પ્રજાતી “ગોમાયસી”ની માગ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાંથી તેમજ ગુજરાત બહારથી પુના, રાજસ્થાન સહિતના રાજ્યોમાં વધી રહી છે. અનેક સ્થળો પરથી ખેડૂતો રોપા લેવાં આવ્યાં છે. દર વર્ષે ગુજરાત અને ગુજરાત બહારનાં રાજ્યો માંથી ૫૦ હજાર કરતા વધુ બીલીનાં રોપા લેવા માટે આવતા હોય છે.
વેજલપુર કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે પ્રધાન વૈજ્ઞાનિક ડો.એ.કે.સિંહ દ્વારા સંશોધન તેમજ વિકસાવવામાં આવેલી પ્રજાતિઓમાંથી એક પ્રજાતિ “ગોમાયસી” છે. જેની ઉપર લાગતું ફળ એટલે કે બિલુ અનેક આયુર્વેદિક તથા આરોગ્યપ્રદ ગુણો ધરાવે છે. જે પેટનાં ચયાપચય, ઠંડક તથા ડાયાબિટીસ માટે પણ લાભદાયી છે. પ્રધાન વૈજ્ઞાનિક ડો.એ.કે. સિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષે હજારો છોડવાઓ લેવા માટે આસપાસના ખેડૂતો તો ખરા જ પરંતુ ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી તેમજ ગુજરાત બહારથી પણ ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યામાં રોપાઓ લેવા આવતાં હોય છે. તેમજ વેજલપુર કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે ખેડૂતો ગોમાયસી બીલુ તથા કલમી આંબા જ લઈ જવાનું વધુ પસંદ કરતા હોય છે.
પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલા કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે એક ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ દર વર્ષે અહિંથી રોપા લેવાં આવતા હોય છે. આ ખેડૂતે જણાવ્યું હતું કે આમ તો બિલા તેમજ આંબાનાં રોપા બધી જગ્યા એ મળે છે. પરંતુ વેજલપુર ખાતે મળતાં રોપાની ગુણવત્તા ઉત્તમ હોય છે. તેમજ આ રોપાઓ વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ કરીને બનાવવામાં આવે છે. જેથી રોપાઓ રોપ્યા બાદ મોર્ટાલિટીનું પ્રમાણ નહીંવત રહે છે. અન્ય એક ખેડૂતે પોતાનો અભિપ્રાય રજૂ કરતા જણાવ્યું હતું કે મેં એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરેલો છે અને વડોદરા ગાર્ડન ડિપાર્ટમેન્ટમાંથી રીટાયર્ડ છું. તેમજ હું મારા ખેતરમાં શાકભાજી અને ફળોનાં રોપાઓ રોપીને જાતે ખેતી કરીને ઉત્તમ અને શુદ્ધ શાકભાજી તથા ફળો ખાવા ઈચ્છું છું જેથી શરીરમાં ડિટોક્સિફિકેશન કરી શકું અને સ્વસ્થ રહી શકું. તેમજ આ અંગે તેમને સવાલ કરતા વડોદરાની આસપાસ ઘણી નર્સરી હોવા છતાં વેજલપુરથી જ કેમ? ત્યારે તેઓએ જણાવ્યું કે આ રોપાઓ ને “વૈજ્ઞાનિક ટચ” છે. તેથી હું અહીં આવવાનું પસંદ કરું છું.
આ પણ વાંચો : ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?