ત્રિપુરામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એક પેસેન્જરે લેન્ડિંગ પહેલા જ ફ્લાઈટનો ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ત્યાં હાજર લોકો ડરી ગયા. 21 સપ્ટેમ્બર એક મુસાફરે ગુવાહાટીથી અગરતલા જતી ઈન્ડિગો ફ્લાઈટનો આગળનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ત્રિપુરા પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ બિસ્વજીત દેબનાથ છે અને તે પૂર્વ અગરતલાનો રહેવાસી છે.
એક અહેવાલ મુજબ, અગરતલાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી બિસ્વજીત દેબનાથ ઈન્ડિગો 6E457ની સીટ નંબર 1D પર ગુવાહાટી થઈને હૈદરાબાદથી અગરતલા જઈ રહ્યો હતો. જ્યારે ફ્લાઈટ લેન્ડ થવાની હતી ત્યારે આરોપી અચાનક દરવાજા તરફ દોડ્યો અને તેને ખોલવાનો પ્રયાસ કરવા લાગ્યો. જોકે, ફ્લાઇટના ક્રૂ મેમ્બરે તેને યોગ્ય સમયે રોક્યો હતો.
રિપોર્ટ અનુસાર જ્યારે વિશ્વજીત દેબનાથ ફ્લાઈટનો ગેટ ખોલવા માટે આગળ વધ્યા ત્યારે એક એર હોસ્ટેસની નજર તેમના પર પડી. એર હોસ્ટેસે તરત જ આરોપીને પકડી લીધો અને અન્ય મુસાફરોની મદદથી તેને પાછો ખેંચી લીધો. આ પછી, આરોપીએ ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું અને વારંવાર ગેટ ખોલવા માટે આગળ જવાનો પ્રયાસ કર્યો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુસ્સે ભરાયેલા મુસાફરોએ ફ્લાઇટની અંદર આરોપીને ખરાબ રીતે માર્યો, જેના કારણે તે ઘાયલ થયો.
અગરતલામાં, ઈન્ડિગો સ્ટાફ સાથે સીઆઈએસએફના જવાનોએ આરોપીને ગંભીર હાલતમાં બચાવ્યો અને બાદમાં તેને એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને ખતરાની બહાર જાહેર કર્યો હતો. એ પણ જણાવ્યું કે તે ડ્રગ એડિક્ટ છે. પોલીસે જણાવ્યું કે ફ્લાઇટમાં ઝપાઝપી દરમિયાન ક્રૂ લીડર ચંદ્રિમા ચક્રવર્તી અને તેના સાથીદાર મનીષ જિંદાલ પણ ઘાયલ થયા હતા.