16 ઓગસ્ટ બાદથી ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડાના લીધે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી છે. છેલ્લા 12 દિવસમાં જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 77 પૈસા અને ડીઝલની કિંમત 74 પૈસા વધી ચુકી છે. ત્યારે સુરતમાં પણ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 77.21 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટરે 74.70 પૈસા સુધી પહોંચી ગયો છે.
જેની સીધી અસર લોકોના બજેટ પર પડી રહી છે અને લોકોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે. સુરતીજનોના કહેવા પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાને કારણે તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. જેની અસર સામાન્ય લોકો પર વધારે પડે છે અને તેમનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે. લોકોના કહેવા પ્રમાણે સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ.
પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી રહી છે. આજે દેશભરમાં પસંદગીના સ્થળો ઉપર ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચતા લોકો ઉપર જંગી બોજ પડ્યો હતો. ત્યારે સુરતીઓમાં પણ નારાજગી જોવા મળી છે. સુરતમાં આજનો પેટ્રોલનો ભાવ પ્રતિલીટરે 77.21 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટરે 74.70 પૈસા સુધી પહોંચી ગયો છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં અન્ય શહેરોની સાથે કિંમત વધારી દીધી હતી. આજે ડીઝલની કિંમત દિલ્હીમાં 69.46, મુંબઈમાં 73.7૪, કોલકાતામાં 72.31 અને ચેન્નાઈમાં 73.38 સુધી પહોંચી હતી. દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં કિંમત સૌથી ઉંચી પહોંચી છે. જેથી લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટની કિંમત બેરલદીઠ 76 ડોલર સુધી પહોંચી છે. બીજી બાજુ રૂપિયો અમેરિકી ડોલર સામે 70.16 ની ઓલટાઈમ નીચી સપાટીએ પહોંચ્યો છે. હવે કેન્દ્ર સરકાર પેટ્રોલ ઉપર 19.48 રૂપિયા અને ડિઝલ પર 15.33 રૂપિયા પ્રતિલીટરે એક્સાઇઝ ડ્યુટી વસુલે છે. આના ઉપર રાજ્ય સરકારો જુદા જુદા દરે વેટ વસુલે છે. જેની સીધી અસર લોકોના બજેટ પર પણ પડી રહી છે.