દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો ફરી એકવાર કાબૂ બહાર થતી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં નરમાઈ વચ્ચે પેટ્રોલ અને ડિઝલના ભાવ રાષ્ટ્રીય બજારમાં આસમાને છે. ભારતીય તેલ કંપનીઓએ પણ આજે (મંગળવારે) 29 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.પેટ્રોલ 80 પૈસા અને ડિઝલ 70 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં લગભગ 26 ટકાનો ઘટાડો થયો છે. આમ છતાં દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મોંઘવારીની આગ સતત સળગી રહી છે. 22 માર્ચથી હવે એટલે કે 8 દિવસમાં 7 વખત ઓઈલ કંપનીઓએ વાહન ઈંધણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે.
ભારતીય ઓઈલ કંપનીઓના લેટેસ્ટ અપડેટ મુજબ આજે સવારે 6 વાગ્યાથી દિલ્હીમાં પેટ્રોલ 80 પૈસા અને ડિઝલ 70 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. આ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. પેટ્રોલ હવે 100.21 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડિઝલ 91.47 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે ઈન્ડિયન ઓઈલ કંપનીઓએ એક દિવસ પહેલા એટલે કે સોમવારે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. છેલ્લા આઠ દિવસમાં સાતમી વખત તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) ના નવીનતમ અપડેટ મુજબ, 29 માર્ચ, 2022 ના રોજ, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો દર 115.04 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. જ્યારે ડીઝલની કિંમત 99.25 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. દિલ્હી સહિત તમામ મોટા મહાનગરોમાં હવે પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ વેચાઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
તમે તમારા શહેરમાં દરરોજ એક SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.