વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એટલે કે આજે ગુજરાતના સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે પાવડર ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે PM મોદીએ હિંમતનગર નજીક સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સાબર ડેરી)ના રૂ. 305 કરોડના મિલ્ક પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. PM મોદીએ સાબર ડેરીના 1000 કરોડના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો. સાબર ડેરીની ક્ષમતા 1.20 લાખ ટન છે.
PM મોદીએ સાબર ડેરી ખાતે લગભગ 120 મિલિયન ટન પ્રતિ દિવસની ક્ષમતાવાળા પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. પીએમઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે લગભગ શૂન્ય ઉત્સર્જન ધરાવતો આ પ્લાન્ટ બહુ ઓછી ઉર્જા વાપરે છે. પ્લાન્ટ નવીનતમ અને સંપૂર્ણ સ્વચાલિત બલ્ક પેકિંગ લાઇનથી સજ્જ છે.
ગુજરાતના મંત્રી અને પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પીએમ મોદી પ્રવાસના બીજા દિવસે એટલે કે 29મી જુલાઈએ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયન ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) લોન્ચ કરશે, જે દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ છે. આ ઉપરાંત પીએમ મોદી ઈન્ટિગ્રેટેડ રેગ્યુલેટરી ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના મુખ્યાલયનો શિલાન્યાસ પણ કરશે.