બંગાળમાં ભાજપ અને ટીએમસીની લડાઇમાં કિસાન નેતાઓએ પણ એન્ટ્રી મારી છે. ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારત માટે સૌથી મોટો ખતરો ગણાવીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. પશ્ચિમ બંગાળના નંદિગ્રામમાં ખેડૂત મહાપંચાયતમાં રાજેવાલે કહ્યું કે દેશને પાકિસ્તાન કે કોઇ બીજા દેશથી એટલો ખતરો નથી જેટલો નરેન્દ્ર મોદીથી છે. તેમણે પોતાના સમર્થકોને નરેન્દ્ર મોદીને વોટ નહીં આપવાની અપીલ કરી છે.
રાજેવાલે મહાપંચાયતમાં કહ્યું કે આજે અમને ખબર પડી કે આ સરકાર ફક્ત વોટ લેવાનું જ જાણે છે. તેને વોટની ચોટ પહોંચાડવી જોઇએ. તમે જેને ઇચ્છો તેને વોટ આપો પરંતુ મોદીને વોટ ન આપતા. મોદી દેશ માટે આજે સૌથી મોટો ખતરો છે. આપણને પાકિસ્તાનથી ખતરો નથી, આપણને કોઇ દેશથી ખતરો નથી પરંતુ જો કોઇ ખતરો છે તો તે નરેન્દ્ર મોદીથી છે.’
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત શનિવારે બંગાળ પહોંચ્યા હતા. કોલકાતાના ભવાનીપુર ખાતે આયોજિત ખેડૂત મહાપંચાયતમાં તેમણે ભાગ લીધો હતો. તે દરમિયાન ટિકૈતે કહ્યું કે, ‘ભલે બીજા કોઈપણ પક્ષને મત આપજો, પરંતુ તમે ભાજપને મત ના આપશો. અમે ક્રાંતિકારીઓની ભૂમિ પરથી અમારી લડાઈને આગળ લઈ જવા આવ્યા છીએ. કાયદો પાછો નહીં જાય ત્યાં સુધી ઘરવાપસી નહીં થાય.’ રવિવારે ટિકૈત સિંગૂર અને આસાનસોલમાં ખેડૂત મહાપંચાયતને સંબોધશે.