Bharuch News: ભરૂચ પોલીસના વાઇરલ થયેલા વિડીયોની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. આ વિડીયો પુરાવો છે કે પોલીસ ધારે તો કેવી મદદ કરી શકે છે અને સાંબેલાધાર વરસાદ અને પૂરમાંથી પણ રસ્તો કાઢી શકે છે. ચોતરફ વરસાદ છે. ભરૂચનો કોઈ એવો હિસ્સો નથી જે પાણીમાં નહીં હોય. ચોમેર પાણીપાણી છે. ભરૂચના રસ્તાઓ નદી બની ગયા છે, ક્યાંય કોઈ રસ્તો જ દેખાતો નથી. આવામાં ભરૂચમાંથી પસાર થતો નેશનલ હાઇવે પણ પાણીમાં છે. તેના લીધે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિકની આ લાઇન વધતી જતી હતી.
તેથી તેને ક્લિયર કરાવવા માટે ભરૂચ પોલીસે ઝુંબેશ ઉપાડી. ભરૂચ પોલીસે રીતસરની રસ્તા પર વરસતા વરસાદની વચ્ચે પાણીની અંદર જીવના જોખમે માનવ સાંકળ રચી અને હાઇવે અટકેલો વાહનવ્યવહાર શરૂ કરાવ્યો. આ સિવાય ભરૂચમાં બાળકોને સ્કૂલે લઈ જતી બસ પણ રસ્તા પર ફસાઈ ગઈ હોવાના વિડીયો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વિડીયોને બધા વખાણી રહ્યા છે. પોલીસે જીવને જોખમમાં મૂકી કરેલી કામગીરીના વખાણ કરી રહ્યા છે.
ભરૂચમાં ચોમેર પાણીના પગલે એનડીઆરએફની ટીમ મેદાનમાં ઉતરી પડી છે. તેણે રાહત અને બચાવકાર્ય શરૂ કરી દીધુ છે. તેણે નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપી છે અને હજી પણ વરસાદની સંભાવનાના લીધે લોકોને સલામત સ્થળે ખસેડવા માંડ્યા છે. ભરૂચ પોલીસની આ કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વખાણી છે અને તેને અભિનંદન પાઠવ્યા છે.
ભરૂચના ઝઘડિયામાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. સવારથી લઇ અવિરત વરસાદ પડી રહ્યો છે. રાજપારડી ઝઘડિયા રોડ પર પાણી ભરાયા ઠે. પાણી ભરાતા બે કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાયો. રાજપારડી ગામમાંથી વહેતી કોતરડી પાણીથી ભરપુર બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની દહેશત છે. ઉપરવાસમાં થયેલ વરસાદને લઇને તાલુકાની ખાડીઓ બે કાંઠે થવાની સંભાવના છે. બ્રોડ ગેજ રેલ્વે ગરનાળામાં પાણી ભરાતા અવર જવર અટકી પડી છે. ઝઘડિયા સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં ઘુસેલા વરસાદી પાણીથી કમ્પાઉન્ડ વોલનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે.