અમદાવાદ: જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય આલમમાં ભારે ગરમાવો ચાલી રહ્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસના મહિલા ઉપાધ્યક્ષ ગીતા પટેલની કારમાંથી એરગન મળી આવતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો. પોલીસે કોંગ્રેસના મહિલા અગ્રણીની એરગન કબજે લઈને કાર્યવાહી હાથ ધરી છે.
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ ચૂંટણીની લઇને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. આ પેટા ચૂંટણીને અનુલક્ષીને બે દિવસ અગાઉ અહી પેરામિલિટરી ફોર્સને ખડકી દેવામાં આવી છે. હાલમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારને જીતાડવા માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.
આ જાહેરનામાને અનુલક્ષીને રાજકોટ ગ્રામ્યની પોલીસ તથા પેરામિલિટરી ફોર્સના જવાનો દ્વારા આટકોટ પોલીસ ચોકી ખાતે ચેકપોસ્ટ બનાવીને વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. આ સંજોગોમાં આજે કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસની મહિલા ઉપાધ્યક્ષ ગીતા પટેલ આવ્યા હતા.
આ દરમિયાનમાં ગીતા પટેલની ગાડીની ડેકીમાંથી તૂટેલી હાલતમાં એક એરગન મળી આવી હતી. જેના કારણે ભારે ચકચાર મચી જવા પામી હતી, એટલું જ નહિ રાજકીય આલમમાં પણ ભારે ગરમાવો આવી ગયો હતો. આ દરમિયાનમાં પોલીસ દ્વારા સ્થળ પર જ તેમની પૂછપરછ કરતા ગીતાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમની વાડીએ પક્ષીઓને દૂર કરવા માટે આ એરગન સાથે રાખી હોવાનું બહાર આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જાહેરનામાના ભંગ બદલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગીતા પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. મહત્વનું છે, કે તથા કોંગ્રેસ પક્ષ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. પોલીસ દ્વારા એરગન વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ એરગન તૂટી ગઇ હોવાથી તેને રીપેર કરવા લઇ જતા હતા. પોલીસે આ તૂટેલી એરગન જમા લઇને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.