લખનઉ,
ઉત્તરપ્રદેશના યોગી રાજમાં જોવા મળી રહેલા ભગવા રંગની રાજનીતિમાં હવે ડો. બાબાસાહેબ આંબેડકરને પણ જોડવામાં આવી રહ્યા છે. રવિવારે યુપીના બદાયુંમાં ડો. બાબાસાહેબની એન નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે તેનો રંગ ભગવો હતો.
બહુજન સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હેમેન્દ્ર ગૌતમે આ મૂર્તિનું અનાવરણ કર્યું હતું પરંતુ હવે આ મામલે ખુબ રાજકારણ જોવા મળી રહ્યું છે.
હેમેન્દ્ર ગૌતમે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, પ્રતિમાનો રંગ ભગવો નથી પણ તે ભગવાન બુદ્ધના વસ્ત્ર જેવું છે.
જો કે આ મૂર્તિના અનાવરણ બાદ કેટલાક અજાણ્યા શખ્સોએ પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરી હતી અને આ મામલે લોકોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો.
લોકો દ્વારા કરવામાં આવેલા હોબાળા બાદ વિવાદ વધુ વધતા બસપા જિલ્લા અધ્યક્ષે બાબાસાહેબની મૂર્તિને ફરીથી વાદળી રંગથી રંગવામાં આવી હતી.
આ વિવાદ વધુ વધતા કુંવરગામ પોલીસ સ્ટેશનના એસઓ પ્રદિપ કુમાર યાદવે પોતાના એક પરિચિત પોલીસ કર્મચારી દ્વારા આગ્રાથી ડો. બાબાસાહેબની મૂર્તિ મંગાવી હતી. ત્યારબાદ આ મૂર્તિને સ્થાપિત કરતા પહેલા બસપા જિલ્લા અધ્યક્ષ હેમેન્દ્ર ગૌતમને બતાવવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ સહમતી પણ આપી દીધી છે.