અમદાવાદ: દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોના વલણની અસર ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયો પર પણ જોવા મળી હતી.
રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા મુખ્ય ત્રણ રાજ્યોમાંથી પોતાની સત્તા જતી જોવા મળતા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સન્નાટો પ્રસરી ગયો હતો અને કાર્યાલય પર ગણ્યાગાંઠ્યા કાર્યકરો સિવાય કમલમ ભેંકાર ભાસતું હતું.
જયારે આનાથી તદ્દન વિપરીત અસર કોંગ્રેસ કાર્યાલય ખાતે જોવા મળી હતી. ઉપરોક્ત ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ સરકાર બનાવવાની નજીક પહોંચી ગઈ હોવાથી રાજીવ ગાંધી ભવન ખાતે ધમધમાટ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
દેશના પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો આજે જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે મતગણતરીના પ્રારંભિક વલણને જોતા પાંચમાંથી મુખ્ય ત્રણ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સારા દેખાવ સાથે સત્તાની નજીક પહોંચી રહી છે. જ્યારે બીજી તરફ આ ત્રણ સજ્યોમાં ભાજપની સરકાર જતી જોવા મળી રહી છે.
છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની જીત પાક્કી દેખાઈ રહી છે, જ્યારે મધ્ય પ્રદેશમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસ સત્તાની નજીક પહોચતી અને ભાજપ સત્તાથી દૂર જતી જોવા મળી રહી છે. આ ચૂંટણીઓના પરિણામની અસર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ભાજપના તમામ નેતાઓના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
એટલું જ નહીં આ પરિણામોની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. પરિણામોના વલણ જાહેર થતાંની સાથે જ ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે સન્નાટો પ્રસરી ગયો હતો જયારે બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ભારે ધમધમાટ જોવા મળ્યો હતો અને જીતની ઉજવણી પણ કરવામાં આવી હતી.
ભાજપમાં નિરાશા જોવા મળી
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોના વલણને જોતા ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે આજે કાર્યકરોની ગેરહાજરી જોવા મળી હતી. આજે સવારથી ચૂંટણીના વલણ સામે જે પ્રકારના સામે આવ્યા ત્યારથી પ્રદેશ કાર્યાલય ખાતે કોઈ નેતા તો ઠીક સામાન્ય કાર્યકરની પણ હાજરી જોવા મળતી ન હતી.
સામાન્ય રીતે વિવિધ ચૂંટણીના પરિણામના દિવસોમાં કમલમ્ ખાતે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો ઉમટી પડતા હોય છે. પરંતુ આજે ભાજપની ગણતરીથી વિપરીત અલગ પ્રકારના વલણો જોવા મળ્યા હતા. જેના કારણે સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીના વલણ શરૂ થતાંની સાથે જ ભાજપના નેતાઓ નિવેદનો આપવા માટે પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચી જતા હોય છે, પરંતુ આજે ત્રણ મુખ્ય રાજ્યોમાં પક્ષનું ધોવાણ થઈ રહ્યું છે તેવું નિવેદન કરવા માટે કોઈ મોટા નેતા તો ઠીક સામાન્ય કાર્યકર પણ હાજર ન હતા.
કોંગ્રેસ આવી ગેલમાં
છેલ્લા કેટલાક સમયથી દરેક પ્રકારની ચૂંટણીઓમાં એવા વલણો જોવા મળતા હોય છે કે ચૂંટણી પરિણામો જાહેર થતાં કોંગ્રેસના સ્થાનિકથી લઈને દિલ્હી સુધીના કાર્યાલયોમાં સન્નાટો પ્રસરી જતો હતો.
પરંતુ આ વખતે આજે જાહેર થયેલાચૂંટણીના વલણોમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને જીત મળતી જોવા મળી હતી. જેના કારણે અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ખૂબ ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા.
કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ ભારે ઉમંગ અને ઉત્સાહભેર જીતની ઉજવણી પણ કરી હતી. એટલું જ નહી કાર્યકરોએ મીઠાઈ વહેંચીને એકબીજાનું મો પણ મીઠું કરાવ્યું હતું આ સાથે ફટાકડાં પણ ફોડ્યાં હતા.