ધર્મશાળા : દેશભરમાં ગાય માતાના નામ પર ચાલી રહેલી રાજનીતિની વચ્ચે હિમાચલ પ્રદેશની વિધાનસભાએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ગુરુવારે ધર્મશાળામાં આયોજિત વિધાનસભા સત્ર દરમિયાન આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. વિધાનસભા તરફથી હવે આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે.
હિમાચલ પ્રદેશની અગાઉ ઉત્તરાખંડ સરકાર દ્વારા પણ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માગણીનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.
હિમાચલ પ્રદેશ વિધાનસભામાં આ પ્રસ્તાવને કોંગ્રેસના ધારાસભ્ય અનિરુદ્ધસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, તેને સત્તાધારી ભાજપના તમામ ધારાસભ્યો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
ગાયને રાજકીય મુદ્દો ન બનાવવાની વાત પર ભાર આપતાં અનિરુદ્ધસિંહે કહ્યું હતું કે ગાયને કોઈ જાતિ, ધર્મ કે પક્ષમાં વિભાજિત ન કરી શકાય.
કસુમ્પટીના ધારાસભ્ય અનિરુદ્ધ સિંહ કે, જેમણે આ ઠરાવ રજૂ કર્યો હતો, રાષ્ટ્રની માતા તરીકે ગાય જાહેર કરવાની નીતિ ઘડવાની વિધાનસભામાં ચર્ચાની માંગ કરી હતી.
અનિરુદ્ધ સિંહે કહ્યું કે ગાય જ્યારે દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે લોકો તેને ખુલ્લી છોડી દે છે. તેથી આ પ્રકારનાં પગલાં ભરવાની જરૂર છે એટલું જ નહીં, તેમણે ગાયના નામ પર હિંસા અને મોબલિંચિંગને રોકવા માટે પગલાં ભરવાની જરૂર પણ જણાવી હતી.
આ દરમિયાનમાં મુખ્યમંત્રી જય રામ ઠાકુરે તેમના બજેટ ભાષણમાં ગાયના આશ્રયસ્થાનોના જાળવણી માટે આવક પેદા કરવા માટે દારૂના દરેક બોટલના વેચાણ પર 1% સેસ વસૂલવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, 15% મંદિરની આવકનો ઉપયોગ પણ ગાયોને જાળવવા માટે કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ હિમાચલ પ્રદેશના સિમરોલ જિલ્લામાં ગૌતસ્કરીના કેસમાં ઉત્તર પ્રદેશના એક યુવકને ટોળા દ્વારા માર મારીને પતાવી દેવામાં આવ્યો હતો.