ગુજરાતના પ્રધાનમંડળની રચના વખતે અપનાવાયેલ વધઘટ સાથે આગળ વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના મોવડીએ મન મનાવી લીધું છે. આગામી દિવસોમાં તેની અસર જાેવા મળશે. અમેરિકાના પ્રવાસે જવા રવાના તથાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખને સૂચનાઓ આપી જેમાં મહત્ત્વની સૂચના એ હતી કે ૨૦૨૨માં જે સાત રાજ્યોની ચૂંટણી યોજાવાની છે તેના માટે આ તમામ રાજ્યોના વર્તમાન ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ જે તે રાજ્યોના સંગઠન પાસે તૈયાર કરાવી સત્વરે મગાવી લો. આ રિપોર્ટ કાર્ડના મૂલ્યાંકનના આધારે આવતી ચૂંટણીમાં ટિકિટો અપાશે. જે આ તમામ સાત રાજ્યોના ઉમેદવારોના નામ નક્કી થશે. વડાપ્રધાનના આ સૂચનનો જે.પી. નડ્ડાએ તાકીદે અમલ કરી તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને આ અંગેની સૂચના પણ મોકલાવી દીધી છે. આ શું સૂચવે છે ?
આગામી વર્ષ એટલે કે એપ્રિલ-મે માસમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ મણીપુર અને ગોવા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જ્યારે ૨૦૨૨ના આજ વર્ષમાં નવેમ્બર માસમાં ગુજરાત અને પંજાબ વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ૪૦૩, ઉત્તરખંડમાં ૯૦, પંજાબમાં ૧૨૬, મણીપુરમાં ૬૦ અને ગોવા વિધાનસભામાં ૪૦ બેઠકો છે. અત્યારે પંજાબ સિવાય તમામ રાજ્યોમાં ભાજપનું શાસન છે. તેમાંય ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં તો ભાજપની તોતીંગ બહુમતી છે. જ્યારે નવેમ્બરમાં જે બે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તે ગુજરાતમાં ૧૮૨ અને હિમાચલ પ્રદેશમાં ૯૦ બેઠકો છે. આ બન્ને રાજ્યોમાં ભાજપની તોતીંગ બહુમતી સાથે સત્તા છે. આ વખતે ભલે કોંગ્રેસ નબળી પડી હોય પણ આમ આદમી પાર્ટી લગભગ તમામ સ્થળે મોટો પડકાર બનીને ઉભી રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.
પ્રથમ પાંચ રાજ્યોની વાત કરીએ તો ઉત્તરપ્રદેશ, ઉત્તરખંડ અને ગોવામાં એન્ટી ઈન્કમબન્સી વેવ નોંધપાત્ર પ્રમાણમાં છે. વિવિધ પ્રશ્નો અંગે ભાજપ પક્ષ અને તેના કેટલાક ધારાસભ્યો સામે ગંભીર ફરિયાદો છે. આ બધા સંજાેગો જાેતા વડાપ્રધાને એન્ટી ઈન્કબન્સી વેવ ખાળવા માટે નો રિપીટ થિયરીનો અમલ કરવાનું નક્કી કર્યુ છે. જે મુજબ આ પાંચ રાજ્યો પૈકી જે ચાર રાજ્યોમાં સત્તા છે તે ચાર રાજ્યોમાં ૫૦ ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકીટ કાપી નખવાનું નક્કી કર્યું છે. જાે આમ થાય તો યુપીમાં ભાજપના ૩૦૦ વર્તમાન ધારાસભ્યો પૈકી ૧૫૦થી વધુ ધારાસભ્યોની ટિકિટ કપાઈ જાય. બાકીના ત્રણ રાજ્યોમાં પણ આજ થિયરી અમલી બને. જ્યારે પંજાબમાં તો ભાજપની સંખ્યા માત્ર ત્રણ છે અને આ વખતે અકાલીદળ તેમની સાથે નથી એટલે એકલા હાથે ચૂંટણી લડવાની છે. ભાજપ ત્યાં પોતાના માટે મજબૂત ચહેરો શોધવાની ફિરાકમાં છે. કોંગ્રેસના આંતરીક અસંતોષનો લાભ ઉઠાવી ભાજપ નવો ચહેરો શોધવા માગે છે.
જ્યારે અન્ય બે રાજ્યો ગુજરાત અને હિમાચલપ્રદેશમાં નવેમ્બર-૨૦૨૨માં ચૂંટણી છે. ભાજપમાં હાલ ૧૧૦ આસપાસ ધારાસભ્યો છે. તેમાં ૩૦ જેટલા તો પૂર્વ કોંગ્રેસીઓ પણ છે. ગુજરાતના પ્રધાનમંડળની રચના વખતે કેન્દ્રના મોવડીઓએ સો ટકા નો રિપીટ થિયરી અપનાવી છે. ભાજપના વર્તૂળો અને તેના સમર્થકો દાવો કરે છે તે મુજબ અપવાદ બાદ કરતાં મોટાભાગના પ્રધાનો પણ કોરી પાટીવાળા છે. તો ધારાસભ્યો પણ નવા જ આપવા. અત્યારે ગુજરાતમાં ભાજપ સંગઠન દ્વારા ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ મેળવાઈ રહ્યાં છે. સ્થાનિક ચૂંટણી સમયે તો પ્રદેશ ભાજપ પ્રમુખે કાતર ચલાવી ઘણા જૂના સભ્યોને ઘરભેગા કરી પક્ષના સંગઠનમાં કામે લગાડ્યા હતાં. કેન્દ્ર અને પ્રદેશ ભાજપની ગાઈડલાઈન પ્રમાણે સરેરાશ કાઢીએ તો ઓછામાં ઓછા ૧૧૦ પૈકી ૭૦ ટકા લેખે ૭૭ ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. જ્યારે હિમાચલપ્રદેશમાં પણ ૬૦ ટકાથી વધુ નવા ચહેરા ભાજપમાં ઉમેદવારોમાં જાેવા મળે તેવી શક્યતા છે.
હિમાચલમાં તો ૨૦૧૭માં જ ભાજપની સરકાર આવી છે એટલે ત્યાં તેને એન્ટી ઈન્કમબન્સીનું ફેકટર બહુ ન નડે પણ આઈબીના અહેવાલ મુજબ ત્યાં પણ આ ફેકટર છે જ. ગુજરાતમાં તો ૧૯૯૫થી અત્યાર સુધી એટલે કે લગભગ ૨૭ વર્ષથી ભાજપની સત્તા છે. ભાજપ ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭ની ચૂંટણી જીતી ચૂક્યો છે.૨૦૧૭માંની ચૂંટણી વખતે નો રિપિટ થીયરીની વાત આવી હતી. પરંતુ પાટીદાર સમાજના અનામત આંદોલનના કારણે બદલાયેલી સ્થિતિ અને ૨૦૧૬ની સ્થાનિક ચંૂટણી સમયે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપમાં થયેલા પરાજયના કારણે ભાજપે અમૂક અપવાદો બાદ કરતાં કોઈ સ્થળે નવા ચહેરા ઉતાર્યા નહોતા. પરંતુ આ વખતે વિવિધ સમાજાેની માગણી અને થોડો ઘણો અસંતોષ તો છે જ. બીજુ એ કે સ્થાનિક ચૂંટણીમાં ભાજપને ગ્રામ્યથી મહાનગર સુધી જાેરદાર સફળતા મળી છે. જાે કે ૭ વર્ષથી ચાલતી કેન્દ્ર સરકાર અને ૨૭ વર્ષથી ચાલતી રાજ્ય સરકાર સામેનું એન્ટી ઈન્કમબન્સી ફેક્ટર છે જ. ભાવવધારો બેકારી જેવા પ્રશ્નોના શાસક પક્ષ પાસે કોઈ યોગ્ય જવાબ નથી. ખેડૂત આંદોલનની ભલે અન્ય રાજ્યો જેવી અસર ન હોય પરંતુ થોડી ઘણી અસર તો છે જ. સ્થાનિક ચૂંટણીમાં ભલે ખેડૂત આંદોલનની અસર ન દેખાઈ હોય પરંતુ આ ચૂંટણીમાં તેની અસર દેખાઈ શકે છે. આના કારણે પક્ષના ઉમેદવાર તરીકે નવા જ ચહેરા હોય તો ભાજપને ફાયદો થવાનો અથવા તો સત્તા જળવાઈ રહે તેવી શક્યતા છે. ભલે ભાજપના પ્રમુખ સીઆરપાટીલે આપેલો તમામ ૧૮૨ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક ભાજપને આપ્યો છે તેની ખૂબ ટીકા પણ થઈ છે. લોકશાહીની તંદુરસ્તીને બીમાર પાડનારૂં લક્ષણ ગણાવ્યું છે. જાે કે વાસ્તવિક રીતે ભાજપના મોવડીઓ માધવસિંહ સોલંકીના ૧૪૯ બેઠકોનો વિક્રમ તોડી ૧૫૦ બેઠકો મેળવવા માટે કોશીષ કરવાના જ છે તે પાક્કુ.
આ તો ગુજરાતની વાત થઈ. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલમાં તો ખેડૂત આંદોલનની અસર નડવાની જ છે. આ સંજાેગોમાં ભાજપ આ રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત નેતાઓને નવા ચહેરાઓ તરીકે મેદાનમાં ઉતારે તેવી પૂરેપુરી શક્યતાઓ છે.
જાે કે નો રિપિટ થીયરી દ્વારા ભાજપ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સત્તા જાળવવા માગે છે. ૫૦ થી ૭૦ ટકા નો રિપિટ થીયરીનો પ્રયોગ જાે આ વિધાનસભા ચૂંટણીમાં સફળ થયો તો તેનો લોકસભામાં ઉપયોગ કરી શકે છે અને ૩૦૩ પૈકી ૨૧૨ કરતાં વધુ વર્તમાન સાંસદોનું પત્તુ કપાઈ શકે છે. જાે કે વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી હોય તેમાં ધારાસભ્યો – સંસદસભ્યોનું રિપોર્ટકાર્ડ નિર્ણાયક બનવાનું છે તે નક્કી છે.
ચાઇનીઝ પર હુમલો / પાકિસ્તાનમાં તેના નાગરિકો પર સતત હુમલાથી પરેશાન ચીન