બ્રાસના બે ધંધાર્થીઓ સાથે એક કરોડની છેતરપિંડી, સાયબર સેલે તપાસ આદરી…

Jamnagar / બ્રાસના બે ધંધાર્થીઓ સાથે એક કરોડની છેતરપિંડી, સાયબર સેલે તપાસ આદરી…

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ-જામનગર 

જામનગરમાં બ્રાસ સ્કેપ વ્યવસાય સાથે સંકળાયેલ એક પેઢી અને તેની સાથે વેપાર કરતા અન્ય બે ધંધાર્થીઓ સાથે એક કરોડની છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ સામે આવી છે. બ્રિટનની કંપની સાથે વર્ષોથી બિઝનેસ કરતી પેઢીને આવેલ ઈ મેઈલ પરથી જે તે બેંક એકાઉન્ટમાં પેઢી તથા તેની સાથેના બે ધંધાર્થીઓએ એક કરોડની રકમનું પેમેન્ટ કરી દીધું હતું. ત્યારબાદ સ્ક્રેપ ની ડીલીવરી બાબતે જે તે કંપની સાથે સંદેશ વ્યવહાર થતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. કંપનીની જાણ બહાર જ કોઈ હેકરે કંપનીનું ઈમેઈલ આઈડી હેક કરી, જામનગરની ત્રણેય પાર્ટીઓ પાસેથી એક કરોડ રૂપિયાની રકમ ડોલર રૂપે ટ્રાન્સફર કરાવી લઇ છેતરપીંડી આચરી હોવાનો ખુલાસો થયો હતો. જેને લઈને આ સમગ્ર પ્રકરણની પંચકોશી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ એકતા એપાર્ટમેંટમાં રહેતા અને દરેડ જીઆઈડીસી ફેસ ત્રણમાં મીરાં ઇમ્પેક્ષ નામની સક્રેપ આયાત કરી કમીશનથી વેચાણ કરતી પેઢી ધરાવતા મિતેશ કનખરા લાંબા સમયથી ઇંગ્લેન્ડની યુરોપીયન મેટલ રીસાયકલીંગ લીમીટેડ નામની કંપની સાથે બ્રાસના સ્ક્રેપ ની આયાતનો વ્યવસાય કરે છે. બંને પેઢીઓ વચ્ચેના ઓર્ડર અને પેમેન્ટ ઓનલાઈન થતા હોય છે. સ્થાનિક મીરાં ઈમ્પક્ષ સ્ક્રેપ પેઢી યુકેની પેઢી પાસેથી સ્કેપ મંગાવી અહી સ્થાનિક બ્રાસ વ્યવસાયીઓને કમીશનથી માલ પૂરો પાડે છે.

આ રીતે થતા વ્યવહાર વચ્ચે તાજેતરમાં મિતેશભાઈની પેઢીના ઈમેલ આઈડી અને યુકેની કંપનીનું મેઈલ આઈડી હેક કરી કોઈ ઈ-ઠગબાજોએ તરકટ રચ્યું હતું. જેમાં યુકેની કપનીના લોગા સહિતની ફોરમેટવાળો મેઈલ કરી બ્રાસ સ્ક્રેપ અંગેનો મેઈલ કર્યો હતો. જેને લઈને મિતેશભાઈએ પોતાની પેઢીના મેઈલ આઈડી પરથી પોતાની પાર્ટીઓની જરૂરિયાત મુજબના સ્ક્રેપનો કંટેનર મંગાવ્યું હતું. જેને લઈને હેકરે મેઈલમાં જ નક્કી થયા મુજબ પોતાના બેંક એકાઉન્ટની વિગતો આપી મીતેશભાઈ પાસેથી ૨૦ ટકા પેમેન્ટ એડવાન્સ મંગાવી લીધું હતું. જે પેમેન્ટ જે તે પેઢીના અગાઉના બેંક એકાઉન્ટમાં જમા કરાવી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ મીતેશભાઈને ગત તા. ૪ ના રોજ જે તે કંપની તરફથી મેઈલ રીસીવ થયો, તેમાં નવા એકાઉન્ટમાં ૮૦ ટકા રકમ ભરપાઈ કરવાની સુચના આપી એકાઉન્ટ નંબર આપવામાં આવ્યા હતા. જેને લઈને મીતેશભાઈની મીરાં ઇમ્પેક્ષ પાસેથી સ્કેપનો ઓર્ડર આપનાર જામનગરના કેતન વેલજીભાઈ ગોરીની ફેસ 3માં આવેલ દીપ મેટલને જે તે નવા બેંક એકાઉન્ટમાં ૮૩૩૧૮ ડોલરની પેમેન્ટ ભરપાઈ કરવાનું જણાવ્યું હતું.  જેથી કેતનભાઈએ ડોલરના રૂપિયામાં થતું રૂપિયા ૬૧,૧૩,૧૦૦ નું પેમેન્ટ ટેલીગ્રાફીક પેમેન્ટથી કરાવી દીધું હતું.

આવી જ રીતે મીરાં ઇમ્પક્ષના જણાવ્યા મુજબ અન્ય પાર્ટી જલારામ મેટલ એલોઇઝના માલિક મેહુલ જોબનપુત્રાને સ્કેપના આંકલન મુજબ ૩૩૬૮૩ ડોલર ભરી દેવા જણાવ્યું હતું. જેથી આ પાર્ટી તરફથી પણ ડોલરની સરખામણીએ ભારતીય ચલણ મુજબ રૂપિયા ૪૭,૯૭,૦૦૦ રૂપિયા ભરી દીધા હતા. આર્થીક વ્યવહાર થયા બાદ યુકેની મૂળ કંપનીના જવાબદાર કર્મચારીઓને જે તે પેમેન્ટની રીસીપ્ટ વોટ્સએપ નંબર પર મોકલવામાં આવતા આ છેતરપીંડી સામે આવી હતી. યુકેની કંપની અને મીરા ઇમ્પક્ષનું ઈ મેઈલ આઈડી કોઈ હેકરોએ હેક કરી છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ છેતરપીંડીને લઈને મીરાં ઇમ્પક્ષના માલિક અને અન્ય બે પેઢીઓના માલિકો પંચકોશી બી ડિવિઝન પહોચ્યા હતા અને સમગ્ર પ્રકરણ અંગે અજાણ્યા શખ્સ કે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે સાયબર સેલ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.


More Stories


Loading ...