વચનબદ્ધ ડો. કુરિયન / શ્વેતક્રાંતિના સર્જક ડો.કુરિયન વચનમાં દ્રઢતા ધરાવતા હતા!

ડોક્ટર કુરિયન શ્વેત ક્રાંતિના પ્રણેતા રહ્યા હતા પરંતુ ક્યારેય તેમણે દૂધ પીધું નથી. તેઓનું સમગ્ર જીવન ગુજરાતમાં પસાર થયું હોવા છતાંયે તેઓ ક્યારેય ગુજરાતી બોલી શકતા નહોતા પરંતુ તેઓ સમજી જરૂરથી શકતા હતા.

વર્ષો પહેલાની આ વાત છે, અમુલ ડેરીમાં કામ કરતાં એક કર્મચારીનું આકસ્મિક રીતે હૃદયરોગથી અવસાન થયું હતું. અવસાન બાદ તેમની પત્ની તેના બાળકને લઈને ડો. કુરિયનને મળવા માટે પહોચી હતી. ડો. કુરિયનને મળીને કહ્યું કે, તેના પિતાના અવસાન પછી આ બાળકનું શું? ડો. કુરિયને તે મહિલાને વચન આપતા કહ્યું હતું કે, દીકરો મેટ્રિક પાસ થઇ જાય ત્યારે લઇ આવજો. દીકરાએ મેટ્રિક પાસ કર્યું અને વર્ગીસ કુરિયનને મળવા માટે પહોંચ્યા. ડો. વર્ગિસ કુરિયને તેને કેન માસ્તર તરીકે નોકરી આપી હતી. નોકરીએ રાખ્યા પછી તેની ઉપરના ઉચ્ચ અધિકારીઓ કામગીરીથી ખુશ નહોતા અને ફરિયાદ કરતા રહેતા હતા. એક દિવસ વહેલી સવારે  ડો. કુરિયને પ્લાન્ટમાં આવીને ખુરશી મંગાવી અને સાથે કેન માસ્તર અને તેના ઉપલા અધિકારી બંનેને બોલાવ્યા. બંને આવી ગયા એટલે ડો.કુરિયને કેન માસ્તરને ખાલી ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો અને ઉચ્ચ અધિકારીને કહ્યું કે, મેં તેની વિધવા માને વચન આપ્યું છે. જેથી તે કામ કરે કે ના કરે તેને કામ પર રાખવાનો છે. આ હતા શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયન કે જેમણે અમુલને કંપની તરીકે નહીં પરંતુ પરિવાર તરીકે અપનાવ્યું હતું અને વોચમેનથી લઇ નાનામાં નાના ઓફિસરની કાળજી રાખતાં હતા.

ડો.કુરિયન સાથે અમૂલ ડેરીમાં ૩૫ વર્ષ સુધી પબ્લિક રીલેશન ઓફિસર તરીકે ફરજ બજાવનાર રવિન્દ્ર વૈષ્ણવે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ડેરીના પ્રોસેસિંગ વિભાગના એક ટેક્નિકલ ઓફિસરે કોઇ અંગત કારણોસર ઝેર પી લીધેલું એટલે તેઓને આણંદની મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. મેં તપાસ કરી તો સ્થિતિ ગંભીર જણાતાં ડો.કુરિયનને જાણ કરી હતી. એટલે ડો.કુરિયન તુરંત હોસ્પિટલમાં આવીને ડોક્ટર સાથે વાતચીત કરી અને બાદમાં પરિવારજનોને જઇને કહ્યું કે સહેજપણ ચિંતા ના કરશો રવિન્દ્ર વૈષ્ણવ અહીં હાજર રહેશે. તથા કોઇ તકલીફ હોય તો તુરંત વ્યવસ્થા થઇ જશે. તેઓ હંમેશા ડેરીના કર્મચારીને એક વ્યક્તિ કરતાં પરિવારના સભ્ય ગણતાં હતા. જે તેમનાે ઉમદા સ્વભાવ હતો.’

આણંદ કેવી રીતે આવ્યા?

ડૉ. કુરિયન ભૌતિક શાસ્ત્રમાં સ્નાતક હતા અને અમેરિકામાંથી માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી ધરાવતા હતા. આવી વ્યક્તિનું તે સમયે અદ્યોગિક કંપનીઓમાં સારા પગારે નોકરી મેળવવી ઘણુ જ સરળ હતું પરંતુ ડો કુરિયન તે સમયે દૂધ ઉત્પાદન ક્ષેત્રે મિલ્ક પાવડર કન્ડેશન્સ મિલ્ક અને ડેરી ઉત્પાદનો પર કામ કરવા લાગી ગયા.ત્યારબાદ મદ્રાસના લોયેલા કોલેજમાંથી સ્નાતક અને બીઇ મિકેનિકલ અને અમેરિકામાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સની ઉપાધિ લીધા પછી ડૉ. કુરિયને તેમની કિસ્મતને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અજમાવી અને કઠોર પરિશ્રમ અને દીર્ઘદ્રષ્ટિના કારણે ભારતને દૂધ ક્રાંતિમાં એક અલગ જ ઉંચાઈ હાંસલ કરવી. તેમનો વિશ્વાસ હતો કે સફળતા મેળવવા માટે કઠોર પરિશ્રમની જરૂર હોય છે આર્થિક વ્યવસ્થા પર આગળ આપોઆપ ગોઠવાય જતું હોય છે. ડૉક્ટર વર્ગીસ કુરિયનની શ્વેતક્રાંતિ માટેની પ્રથમ શરૂઆત ત્યારે થઈ જ્યારે તેઓ સૌ પ્રથમવાર આણંદ આવ્યા હતા. જ્યારે તેઓ ગુજરાતમાં સરકારી રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ડેરી એન્જિનિયર તરીકે નિમણૂંક પામ્યા અને પોતે વિજ્ઞાનના છાત્ર હોવાના કારણે તેઓને પહેલેથી જ ટેકનોલોજી અને નવા પ્રયાસોને પ્રાયોગિક દ્રષ્ટિકોણ આપવાની ઇચ્છાઓના કારણે તેમણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગાયોના દૂધની જગ્યાએ ભેંસના દૂધને પ્રાધાન્ય આપવા માટે કામ ચાલુ કર્યું.

ત્યારના ચાલતા સંઘમાં તેમણે રજૂઆત કરી કે, શક્ય હોય તો ભેંસના દુધના ઉત્પાદનને પ્રોત્સાહન આપો અને તેને વ્યવસાયિક આપી ખેડૂતોને પશુપાલન ક્ષેત્રે રસ દાખવવા માટે પ્રોત્સાહિત કરો બસ આ જ ક્ષણથી ભારત દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિનું પ્રથમ સોપાનની શરૂઆત થઈ અને જોતજોતામાં ખેડા દૂધ ઉત્પાદન સંઘ અસ્તિત્વમાં આવ્યો. સાથે સાથે સમગ્ર ગુજરાત અને દેશભરમાં ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા યથાર્થ પ્રયત્નો કરી સહકારી મંડળીઓના માળખા તૈયાર કરી તેમના દ્વારા દૂધનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તે દિશામાં ક્રાંતિકારી પગલાં હાથ ધરવામાં આવ્યા. જેના પરિણામ સ્વરૂપ આજે અમુલ ડેરી સમગ્ર વિશ્વમાં ડોક્ટર વર્ગીસ કુરિયન દીર્ઘદ્રષ્ટિ કોણનો ડંકો વગાડી રહી છે.

 

ઓપરેશન ફલડ

ઓપરેશન ફ્લડ દ્વારા પશુપાલન સાથે સંકળાયેલા 72 હજાર થી વધુ ગામડાઓના ગરીબ ખેડૂતોને આજીવિકાનો એક નવો સ્ત્રોત ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા ઉભો કરી આપવામાં આવ્યો હતો જેના કારણે ખેતી સાથે સંકળાયેલ ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન પર પણ ધ્યાન કેન્દ્રિત કરતા થયા હતા અને સહકારી માળખા દ્વારા ચાલતા સંઘોમાં પોતે સભાસદ બની સ્વતંત્ર દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં અમુલ ના સહયોગથી આર્થિક લાભ મેળવતા થયા હતા જેના કારણે આજે કરોડો ખેડૂતો દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે કામ કરી આજીવિકા મેળવી રહ્યા છે.  ડો.કુરિયનના નેજા હેઠળ વિશ્વના સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફલડના કારણે અમેરિકાને પાછળ છોડી ભારત વર્ષ 1998 માં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો.

એવોર્ડ્સ

તેમણે સમગ્ર વિશ્વને ગાયના બદલે ભેંસના દૂધનો બનેલો મિલ્ક પાવડર બનાવી લોકો સુધી પહોચાડ્યો હતો. તેમને વર્લ્ડ ફૂડ પ્રાઈઝ (1989), ઓર્ડર ઓફ એગ્રીકલ્ચ, પદ્મવિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી, રેમોન મેગ્સેસ જેવા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

ખેડા યુનિયન તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને ત્રિભુવનદાસ પટેલ જેવા આગેવાનો દ્વારા ચલાવવામાં આવતું એક નાનું સહકારી માળખું હતું. 1946માં ચકલાસી ગામે મળેલી એક સામાન્ય સભામાં ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા મુકવામાં આવેલ પ્રસ્તાવમાં ખેડૂતો દ્વારા દાખવવામાં આવેલી હકારાત્મક વલણના કારણે એક નવી શોધ ક્રાંતિની શરૂઆત થઇ હતી.

તેમના દ્વારા લખવામાં આવેલું પુસ્તક

ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા લખવામાં આવેલ એક કિતાબ ‘i do had a dream’ પણ તેમના જીવન સાથે સંકળાયેલ તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે, હું તે લોકો માટે જ વધારેમાં વધારે કામ કરું જે લોકો ગરીબ અને નિઃસહાય છે પરંતુ હું મારું જીવન એક સાધારણ માણસ તરીકે પૂર્ણ કરું તેવી તેમણે ઇચ્છા દર્શાવી હતી. સાદી અને સરળ વ્યક્તિત્વના કારણે આજે દેશ ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મ દિવસને ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે ઉજવી રહ્યો છે.

દૂધ ક્યારેય પીધું નહોતું

મહત્વની વાત એ છે કે, ડોક્ટર કુરિયન શ્વેત ક્રાંતિના પ્રણેતા રહ્યા હતા પરંતુ ક્યારેય તેમણે દૂધ પીધું નથી. તેઓનું સમગ્ર જીવન ગુજરાતમાં પસાર થયું હોવા છતાંયે તેઓ ક્યારેય ગુજરાતી બોલી શકતા નહોતા પરંતુ તેઓ સમજી જરૂરથી શકતા હતા.  ડો. કુરિયનનો જન્મ  કેરળના કોઝીકોડમાં 26 નવેમ્બર, 1921માં થયો હતો. તેમના જન્મદિવસને દેશમાં નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે અને 2014થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે. ડો. વર્ગીસ કુરિયનનું 9 સપ્ટેમ્બર, 2012ના દિવસે નિધન થયું છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment