સુરત / માસ્ક પહેરવાનું કહેતા ટ્રાફિક બ્રિગેડના યુવાન ઉપર હુમલો કરાતાં ચકચાર

પલસાણા પોલીસ મથકના કારેલી ગામે માથાભારે ઇસમોએ ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા યુવાન ઉપર ત્રણ વ્યક્તિઓએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે.

સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા યુવાન ઉપર ત્રણ વ્યક્તિઓએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતો યુવાન કારેલી ગામે રાહી સોસાયટી નજીક મની ટ્રાન્સફરની દુકાનમાં પૈસા કાઢવા માટે ગયો હતો. તે સમયે ત્રણ યુવાનો માસ્ક પહેર્યા વગર ફરતા હોય જેથી તેમને માસ્ક પહેરવાનું કહેતા આ ત્રણે વ્યક્તિઓએ યુવાનને માર મારી કપાળના ભાગે કોઈ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી કેટલાક માથાભારે ઈસમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં ગંગાધરા ગામે ટીમ્બલીયાવાડ ખાતે રહેતા જયેશભાઈ કીકાભાઈ પટેલ (ઉ.વ.40) કે જે પલસાણા પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે છેલ્લા સાત વર્ષથી માનદસેવા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગતરોજ રાત્રિના 8;15 વાગ્યાની આસપાસ મોટરસાઇકલ ઉપર સવાર થઈ કારેલી ગામે આવેલ રાહી સોસાયટીમાં મની ટ્રાન્સફરની દુકાનમાં આધારકાર્ડ વડે પૈસા કાઢવા માટે ગયા હતા. તે સમયે સરકારી દવાખાનાની બાજુમાંથી જતાં રોડ ઉપરથી સોસાયટીના ગેટમાંથી પ્રવેશ કરી રહ્યા હતા.

તે સમયે ત્યાં ત્રણ વ્યક્તિઓ માસ્ક પહેર્યા વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર ઊભા હતા. જેથી જયેશભાઇએ પોતાની બાઇક ઊભી રાખી આ ત્રણે વ્યક્તિઓને માસ્ક પહેરવાનું કહેતા આ ત્રણે વ્યક્તિઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. આ ત્રણ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓએ જયેશભાઈને માર મારવા લાગ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ સોનું ઉર્ફે ચેતન મહેન્દ્રસિંગ રાજપૂત (રહે, રાહીસોસાયટી, કારેલી, તા-પલસાણા) એ પોતાના હાથમાં રહેલ કોઈ હથિયાર વડે જયેશભાઈએ આંખની ઉપર કપાળના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે જયેશભાઇએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Reporter Name: નિર્મળ પટેલ, સુરત

More Stories


Loading ...

Top Stories


Photo Gallery