નવરાત્રિ મહોત્સવ / આજે નવરાત્રિનો નવમો દિવસ, કરો માતા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના

નવરાત્રિના નવમા દિવસે માં આદ્યશક્તિ દુર્ગામાએ સિદ્ધિદાત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે

આજે નવરાત્રિનો નવમો દિવસ આજે માતા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના કરવાથી નવ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના નવમાં દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી અર્થાત સિદ્ધિઓ આપનારી માતા.

નવરાત્રિના નવમા દિવસે માં આદ્યશક્તિ દુર્ગામાએ સિદ્ધિદાત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે. આમ ભક્તને આ આઠ પ્રકારની સિદ્ધિઓ આપે તે મા સિદ્ધિદાત્રી. મા સિદ્ધિદાત્રીને આઠ ભૂજાઓ છે, માનું વાહન સિંહ છે, તેઓ કમળના પુષ્પ પર બિરાજીત છે. માતાજીના જમણા હાથની નીચેની ભૂજામાં ચક્ર અને ઉપરની ભૂજામાં ગદા તથા ડાબા હાથની નીચેની ભૂજામાં શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે. નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવી અતિઉત્તમ છે. મા સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણચક્ર જાગૃત થઈ જાય છે. નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા અને આરાધના કરવાથી યશ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે.

ઉમાપતિ ભગવાન મહાદેવે પણ મા સિદ્ધિદાત્રીની કૃપાથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. મા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવજીનું અડધું શરીર દેવીનું થયું હતું. અને એટલા માટે જ શિવ અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. મા સિદ્ધિદાત્રી એટલે સિદ્ધિઓ આપનારા માતાજી. મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી ભક્તના જીવનમાં સુખ આવે છે અને તેના અઘરામાં અઘરા કામો પાર પડે છે. સાચા મનથી જો મા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના અને આરાધના કરવામાં આવે તો અષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સાથે જ માની આરાધના કરતા ભક્તની લૌકિક અને પરલૌકિક, તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મા સિદ્ધિદાત્રીની પૂજાઆરાધના કરવાથી શરીરમાં શુભ તત્વોની વૃદ્ધિ થાય છે અને શરીરમાં રહેલા ખરાબ તત્વો બહાર નીકળી જાય છે. મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી આપણા અંતરાત્મામાં દિવ્યતા અને પવિત્રતાનો સંચાર થાય છે જેના કારણે આપણે આપણી તૃષ્ણાઓ અને વાસનાઓને નિયંત્રિત કરવામાં સફળ રહીએ છીએ અને જીવનમાં સંતુષ્ટિની અનુભૂતિ થાય છે. માતાજીનું દૈદીપ્યમાન સ્વરૂપ આપણી સુષુપ્ત માનસિક શક્તિઓને જાગૃત કરીને આપણને પોતાના પર નિયંત્રણ કરવાની શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરે છે. આજના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા અને આરાધના તેમ જ ઉપાસના કરવાથી આપણી અનિયંત્રિત મહત્વકાંક્ષાઓ પૂરી થાય છે અને મા પોતાના ભક્તોના અસંતોષ, આળસ, ઈર્ષા, પ્રદોષ-દર્શન, પ્રતિશોધ સહિતની દુર્ભાવનાઓ અને દુર્બળતાઓનો નાશ કરી ભક્તના જીવનમાં સદગુણોનો વિકાસ કરે છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment