અરવલ્લી જિલ્લામાં બટાટાના મબલખ ઉત્પાદન સામે જિલ્લાના 40 જેટલા કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થયા છે. જેને લઈને વધતી ગરમીમાં બટાટા બગડવાની નોબત આવી છે.
મુશ્કેલીમાં જગતનો તાત
અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ ઘઉં બાદ બીજા ક્રમે 19 હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ જિલ્લામાં બટાટાનું મબલખ ઉત્પાદન થયું છે. જેથી ખેડૂતો હાલ બટાટાના પાકને ઠેકાણે કરવાના કામમાં લાગ્યા છે. પરંતુ ખેડૂતો માટે બટાટાનો સંગ્રહ ક્યા કરવો તે મોટી સમસ્યા છે. જિલ્લામાં 40 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાં હાલ જગ્યાનો અભાવ હોવાથી ખેડૂતોને પોતાનો પાક કયા મુકવો તે મોટી સમસ્યા થઈ છે. બીજી તરફ બટાટાના ભાવ પણ હાલ પોષણક્ષમ મળી રહ્યા નથી. જેથી ખેડૂતોને પડતા પર પાટા જીવી હાલત થઈ છે.
ખેડૂતોને દર વર્ષ કરતા પણ આ વર્ષે બટાટા ભાવ ઓછા મળી રહ્યાં છે. જેને લઈને ખેડૂતો કોલ્ડસ્ટોરેજમાં બટાટાનો સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે. જેના કારણે જિલ્લામાં 40 કોલ્ડ સ્ટોરેજ હાઉસ ફૂલ થઈ ગયા છે. સતત વધતી ગરમીના કારણે બીજી બાજુ બટાટા બગડી પણ રહ્યાં છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલો વીઘા દીઠ 40 હજારનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.