દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે કોવિડ ટાસ્ક ફોર્સ અને તજજ્ઞ ડોક્ટરની ટીમ સાથે બેઠકો યોજી સંક્રમણ તોડવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે.આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ખાસ બેઠક મળવા જઇ રહી છે.આ બેઠક અંતર્ગતકોરોનાના નિયંત્રણ લેવા માટેના પગલા અંગે ચર્ચા થશે. કોરોના સંક્રમણ સંદર્ભના ટાસ્ક ફોર્સના નિષ્ણાત ડોક્ટરો સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે મહત્વની ચર્ચાઓ કરશે અને ખાસ રોડમેપ તૈયાર કરશે.
અન્ય રાજ્યમાં ત્રીજી લહેર સામે લડવા માટે ખાસ આયોજનો કરવા માં આવી રહ્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોના સંક્રમણની બીજી લહેરની સામે લડવાની સાથે સાથે આગળના સમયમાં આવનાર કોરોના સંક્રમણની ત્રીજી લહેરની પણ તૈયારીઓ અત્યારથી જ કરી રહી છે. આ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળતી કોર કમિટીની બેઠકમાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણની ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી રહી છે.
દેશના વિવિધ રાજ્યો અને વિદેશોમાં ત્રીજી લહેરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ મામલે સરકારની કોર કમિટી સાથે નિષ્ણાતોની મહત્વની બેઠક આજે બોલાવવામાં આવી છે.જેમાં ગામડાંઓમાં ફેલાતા કોરોનાને ડામવા માટેનું આયોજન વધુ મજબૂત બનાવવામાં માટે પ્લાન ઘડવામાં આવે એવી શક્યતા છે.ગ્રામ વિકાસ કમિશ્નર વિજય નેહરાએ ચોંકાવનારા નિવેદન સાથે સ્પષ્ટ સંકેતો આપ્યા હતાં કે, આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધશે. જેના કારણે રાજ્યના ગામડાઓને ખાસ સુરક્ષિત બનાવવા પડશે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વિષેશ ભાર મૂકી ગામડા સશક્ત બનાવવા પડશે.