નક્સલવાદનાં ભય વચ્ચે પણ ઝારખંડ રાજ્યનાં જમશેદપુરનાં એક ગામડાની આ 22 વર્ષની છોકરીએ સમગ્ર દેશને ગર્વ અપાવ્યું છે. પરી સિંહ નામની આ છોકરીએ એક દિવસ માટે ઓસ્ટ્રેલીયન હાઈ કમીશનનો ચાર્જ સંભાળ્યો હતો. શિક્ષણનું મહત્વ સમજતી પરીએ પોતાનાં જ્ઞાનથી આ સિદ્ધિ હાંસલ કરી છે અને દેશની છોકરીઓ માટે એક મશાલ કાયમ કરી છે.
પરી ગામડાનાં વિસ્તારમાં ચાઈલ્ડ રાઈટ્સ અને એમનાં ડેવલપમેન્ટ માટેની વકીલ છે. પરીની પસંદગી પ્લાન ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી જે બાળકોનાં હક માટેની સંસ્થા છે જે બાળકોને અને ખાસ કરીને છોકરીઓને એમનાં ભણતર, તબીબ સેવા, રક્ષણ વગેરે માટે મદદ કરે છે.
હર વર્ષ યોજાતાં યુએનનાં ઇન્ટર નેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડ પ્રોગ્રામમાં તેઓ હાજર રહ્યાં હતા અને ત્યારબાદ પરીને એક દિવસ માટે ઓસ્ટ્રેલીયન હાઈ કમિશનર બનવાની તક મળી હતી.
પરીએ જણાવ્યું હતું કે, ‘યોગ્ય શિક્ષણ સાથે કોઇપણ વ્યક્તિ નકસલવાદ અને એમની માન્યતાઓ સામે લડી શકે છે. આપને બધાંને શિક્ષણ આપવું જોઈએ જેથી દરેક બાળક સમજી શકે કે શું સાચું છે ને શું ખોટું. શિક્ષણની મદદથી લોકો જાણી શકે છે એમનાં ક્યાં હકો છે.’
પોતાની ખુશી વ્યક્ત કરતાં પરીએ કહ્યું કે, ‘હું એક દિવસ માટે ઓસ્ટ્રેલીયન હાઈ કમિશનરની ફરજ બજાવીને ખુબ ખુશ છું. હું આશા રાખું છું કે, હું મારા ગામનાં બીજા બાળકોને પ્રેરણા આપી શકીશ કે તેઓ ભણવામાં રૂચી બતાવે.’