“મારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગણિતમાં 35, વિજ્ઞાનમાં 35 અને અંગ્રેજીમાં 35 માર્ક હતા. મારી માર્કશીટ જોઈને તો કોચિંગ ક્લાસવાળાએ તો કીધું કે,”તારા જેવા વિદ્યાર્થી પાસ ન થાય.” અને આ વ્યક્તિ એક ટોણા પર તનતોડ મહેનત કરે છે અને પાસ કરે છે ભારતની સર્વોચ્ચ પરીક્ષામાં ગણાતી એવી UPSC એક્ઝામ અને બન્યા IAS ઓફિસર અને તે છે તુષાર દલપતભાઈ સુમેરા. આજે તુષારભાઈ સુમેરાના જન્મદિવસે મંતવ્ય ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
તુષારભાઈએ 2012માં UPSC પરીક્ષા ક્રેક કરી હતી અને એ પણ IAS કેડર સાથે. મહત્વની વાત એ છે કે, અને તેમની નીમણુંક ગુજરાતમાં જ થઇ. તેઓએ વર્ષ 2015-16માં નવસારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ ભાવનગર ખાતે રિજનલ કમિશ્નર તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર, બોટાદ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલ તેઓ ભરૂચ જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે પોતાની સેવા આપી આપી રહ્યા છે.
તુષારભાઈના જીવનકાળની જો વાત કરવામાં આવે તો તેઓએ પ્રાથમિક શિક્ષણ જસદણમાં લીધું છે. તેઓના પિતા દલપતભાઈ જમીન વિકાસ નિગમમાં ફિલ્ડ સુપરવાઈઝર તરીકે કાર્ય કરતા હતા અને માતા ગૌરીબહેન ચાવડા વઢવાણમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તુષાર સુમેરાએ ધોરણ-10ની બોર્ડ પરિક્ષામાં ઓછા ટકા આવવાના કારણે તેમણે આર્ટસ કેટેગરી પસંદ કરી એડમીશન લીધું હતું. ત્યારબાદ અંગ્રેજી વિષય સાથે બી.એ. પાસ કર્યું અને ત્યારબાદ એમ.એ, બી.એડ. થયા. તેઓ જયારે બેચલર ઓફ આર્ટસનું ફોર્મ ભરતાં હતા ત્યારે તેમણે પોતાના નામનો પહેલો અક્ષર “T” સ્મોલમાં અને નામનો છેલ્લો અક્ષર “R” કેપિટલમાં લખ્યો હતો. તેઓ ત્યારે પોતાની જાતને ઠોઠવિદ્યાર્થી તરીકે ગણાવવા લાગ્યા હતા પરંતુ તેમણે તનતોડ મહેનત કરી અંગ્રેજી વિષય સાથે BA પાસ થયા અને તેઓ ખૂબ સારું કડકડાટ અંગ્રેજી પણ હવે બોલી શકે છે.
તેમણે અભ્યાસ પૂર્ણ થયા બાદ ચોટીલાની એક સ્કૂલમાં 2500 રૂપિયાના ફિક્સ પગારે શિક્ષક તરીકે નોકરી શરુ કરી હતી. એક દિવસ તેમની શાળામાં જિલ્લા કલેકટર મૂલાકાત લેવા આવે છે અને અહીં તેમના જીવનનો વળાંક આવે છે. કલેકટરને જોઇને તેમના મનમાં વિચાર આવેલો કે કલેકટર બનવા માટે શું કરાય? તો તેમના નજીકમાં રહેલા મિત્રોએ કહ્યું હતું કે UPSC પાસ કરવું પડે. ત્યારબાદ તેમણે સ્કૂલમાંથી કપાત પગારે નોકરી શરુ કરી અને પરિક્ષાની તૈયારીઓ શરુ કરી હતી. વર્ષ 2007માં તેમણે સ્પીપા જોઈન કર્યું અને ખૂબ જ મહેનત કરી છતાંયે ચાર વાર પરિક્ષામાં નિષ્ફળ થયા પરંતુ હાર માને તે તુષાર ન કહેવાય, અને તેમણે પાંચમાં ટ્રાયલે પરિક્ષા પૂર્ણ કરી.
વર્ષ 2016માં 11 લાખ વિદ્યાર્થીઓએ UPSC માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી પાંચ લાખ લોકોએ લેખિત પરિક્ષા આપી હતી. તેમાંથી 12 હજાર વિદ્યાર્થીઓ પરિક્ષામાં પાસ થયા હતા. બધી જ પરીક્ષાઓ પાસ કરતા અંદાજે 2 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એટલે ઉપરોક્ત આંકડા જોઇને ખ્યાલ આવી ગયો હશે કે, UPSC પરિક્ષા પાસ કરવી તે કઈ નાનાસૂના ખેલ નથી !
વધુમાં તેઓ જણાવે છે કે, સ્પીપા જોઈન કર્યું ત્યારે રોજ હું 14 થી 15 કલાક સુધી મહેનત કરતો હતો અને આવી મહેનત સતત ચાર વર્ષ સુધી કરી હતી અને અંતે 2012માં UPSC કેક્ર કરી અને IAS તરીકે પોતાના રાજ્ય એવા ગુજરાતમાં જ થઇ એટલે આનંદ ખૂબ જ છે.
તેઓ જયારે જુનાગઢ કલેકટર હતા ત્યારે પણ શહેરના વિવિધ વોર્ડની અંદર સવારે 7 થી 11 વાગ્યા સરપ્રાઈઝ ચેકિંગ કરતા હતા અને લોકોની વાતોને પણ સાંભળે, જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચના આપતા અને ગેરહાજર રહેતા કર્મચારીઓને નોટીસ પણ ફટકારી છે. અત્યારે જમાનો ડિજિટલનો છે ત્યારે તેઓ નવસારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે નવસારી જિલ્લા પંચાયતને તેમણે ડિજિટલ બનાવી જેથી દરેક નાગરિકને માહિતી મળી રહે અને યોજનાનો લાભ મેળવતા રહે.
અત્યારે ભરૂચ કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા તુષાર સુમેરાને ફોટોગ્રાફી અને સાહિત્યમાં તે ખૂબ રુચિ ધરાવે છે.