ગુજરાતની ચૂંટણીને લઇને ભાજપ બરોબર એક્શન મુડમાં જોવા મળી રહી છે. ફરી એકવાર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં અંદાજે રુપિયા 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. અને ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતેનાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
વડાપ્રધાનના આ બે દિવસના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો પ્રથમ દિવસે (19મી ઓક્ટોબરે ) એટલે કે આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે, જુનાગઢ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે આ ઉપરાંત રાજકોટ ખાતે પણ ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-2022નું ઉદ્દઘાટન કરશે અને ત્યારબાદ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
બીજા દિવસે (20મી ઓક્ટોબરે) સવારે કેવડિયા ખાતે મિશન લાઇફનું લોકાર્પણ કરશે, વડાપ્રધાન બપોરે 12 કલાકે કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. એટલુ જ નહિ, દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે. આમ, વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવશે.
19 ઓક્ટોબરે ગાંધીનગર, જૂનાગઢ અને રાજકોટના કાર્યક્રમમાં આપશે હાજરી
- – 19 ઓક્ટોબરે સવારે 9.45 કલાકે ડિફેન્સ એક્સપો 2022નું કરશે ઉદ્ધાટન
- – બપોરે 12 કલાકે અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે
- – બપોરે 3.15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે
- – રાજકોટમાં સાંજે 6 કલાકે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-2022નું કરશે ઉદ્દઘાટન
- – રાજકોટમાં બહુવિધ ચાવીરૂપ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
- – સાંજે 7.20 કલાકે રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે
20મી ઓક્ટોબરે નર્મદા, તાપી જિલ્લાના પ્રવાસે
- – સવારે 9.45 કલાકે નર્મદા ખાતે મિશન લાઇફનું લોકાર્પણ કરશે
- – બપોરે 12.00 કલાકે કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે
- – બપોરે 3.45 કલાકે વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે
- – વડાપ્રધાન કોસ્ટલ હાઈવેના નિર્માણ અને સુધારણા માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
- – આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેશે