પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. 26 જાન્યુઆરી 2001ના દિવસે આવેલા ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 470 એકરમાં ફેલાયેલું આ સ્મૃતિવન, ભુજના જાજરમાન ભુજિયા ડુંગર પર બનાવવામાં આવ્યું છે. જાણો તેના વિશે
Sharing some more pictures of Smriti Van Memorial in Kutch. pic.twitter.com/71nQr7BuQ8
— Narendra Modi (@narendramodi) August 27, 2022
ભારત સરકાર પાસેથી જમીન મેળવવાની પ્રક્રિયા
પ્રોજેક્ટની શરૂઆત પહેલા આ જગ્યા એક બંજર જમીન હતી અને ભારતીય સેનાના અધિકારક્ષેત્રમાં આવતી હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના વહીવટીતંત્રે ભારતીય સેના પાસેથી એક રૂપિયાના ટોકન ભાવે 50 વર્ષની લીઝ પર જમીન લીધી હતી. 14મી સપ્ટેમ્બર, 2009ના રોજ આ જમીન આખરે ગુજરાત સરકારને સોંપવામાં આવી હતી.
સ્મૃતિવનનું બેનમૂન સ્થાપત્ય
સ્મૃતિવન એ કોઇ સામાન્ય પર્યટન સ્થળ નથી. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની ઇચ્છા હતી કે દરેક ભોગ બનેલા નાગરિકની યાદમાં એક વૃક્ષ વાવવામાં આવે જે પુનર્જન્મ, પુનર્નિમાણ અને આશાનું પ્રતીક છે. અહીં વૃક્ષ રોપવા એ એક પડકારજનક કાર્ય હતું. જંગલમાં વૃક્ષોનો ઉછેર આપમેળે થાય છે જ્યારે અહીં ભુજના વાતાવરણ અને વારંવાર નિર્માણ થતી દુષ્કાળની પરિસ્થિતિના લીધે વૃક્ષોનો ઉછેર કરવો મુશ્કેલ કાર્ય હતું. આ સ્થિતિમાં પાણીનું એક એક ટીપુ બચાવી જળસંચય થાય તે જરૂરી બન્યું હતું. તેથી ગેબિયન દિવાલોની મદદથી જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું જેનાતી ડુંગર પરથી વહી જતુ પાણી તેમાં એકત્ર થાય અને જમીનની અંદર જતું રહે. આ રીતે જમીનનું ધોવાણ પણ બચાવવામાં આવ્યું હતું. કુદરત સામે પડવાની જગ્યાએ, અહીં કુદરતની ઉર્જાના સહારે કામ પાર પાડવામાં આવ્યું હતું. સ્મૃતિ વનના સ્મારક ભાગની રચના કરનાર પ્રખ્યાત આર્કિટેક્ટ બી.વી.દોશી કહે છે કે, “જ્યારે સાચા દિલથી તમે અમર આત્માઓને શ્રધ્ધાંજલિ આપો તો રણ જેવા વિસ્તારમાં પણ હરીયાળી છવાઈ જાય છે.”
સ્મૃતિવનના એક છેડે સન પોઇન્ટ છે અને બીજે છેડે મ્યૂઝિયમ છે અને તેની વચ્ચે જળાશયો આવેલા છે. દિલ્હીના જંતર મંતરની જેમ જ ,સન પોઇન્ટ એ ચંદ્રની કળાઓ અને ચંદ્ર સૌર તિથિપત્રને તેના વૈજ્ઞાનિક મહત્વ સાથે દર્શાવે છે. મ્યૂઝિયમમાં ભૂકંપનો અનુભવ લેવા માટે એક ધ્રુજતું થિયેટર છે જે મુલાકાતીઓ માટે અનેરૂ આકર્ષણ બની રહેશે.
કચ્છની સંસ્કૃતિ અને ખુમારીને અહીં દર્શાવવામાં આવી છે. જળસંચય, પશુપાલન, ઉદ્યોગોનું આગમન અને નવી ટેક્નોલોજીનો સ્વીકાર સહિતની બાબતોને અહીં દર્શાવવામાં આવી છે. હડપ્પાની સંસ્કૃતિથી લઇને આધુનિક વિકાસયાત્રાની ઝલક અહીં સૌ કોઈ માણી શકશે.